VIDEO: Suratમાં ઝાડ કાપવા મુદ્દે હત્યા, પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી કર્યુ રી-કન્સ્ટ્રક્શન
સુરતના સચિન વિસ્તારમાં થયેલી એક હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસે માત્ર કેટલીક જ ઘંટામાં હત્યાના ગુનેગારને ઝડપી પાડી આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શું હતી ઘટના
તારીખ ૮ જૂન ૨૦૨૫, રાત્રિના સમયે સુરતના સચિન તળાવ ફળીયુ ભાથીજી વિસ્તારમાં એક હત્યાની ઘટના બની હતી. માહિતી અનુસાર, જગદિશભાઈ બાલુભાઈ રાઠોડ (ઉમર અંદાજે ૫૦ વર્ષ), ઉર્ફે ‘ગાંડીયા’ નામના વ્યક્તિ અને આરોપી વચ્ચે મહોલ્લામાં ઝાડ કાપવાની બાબતે તીવ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપી સુરેશ ઉર્ફે લાલો હસમુખભાઈ રાઠોડ એ ગુસ્સાની અવસ્થામાં ચપ્પાથી હુમલો કરીને ગાંડીયાને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ આરોપી તાત્કાલિક ત્યાંથી પલાયન થઈ ગયો હતો.
પોલીસની કાર્યવાહી
હત્યા બાદ સચિન પોલીસ તત્કાલ હરકતમાં આવી હતી. પોલીસના સર્વેલન્સ સ્ટાફ અને સ્થાનિક ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ મોનીટરીંગ તથા મહત્વની માહિતીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું. પોલીસે આરોપી સુરેશ ઉર્ફે લાલો હસમુખભાઈ રાઠોડને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસ તેને હત્યાના ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા.

