સુરતમાં હત્યાનો ફરાર આરોપી ઝડપાયો, પેરોલ મેળવીને 1 વર્ષથી થઈ ગયો હતો ફરાર

સુરતમાં ઉત્તરાયણ પર્વ અગાઉ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો હતો. જીવલેણ હુમલાના ગંભીર કેસમાં પેરોલ પર બહાર આવી 1 વર્ષથી ફરાર આરોપી ચૈતન્ય મહેન્દ્રભાઈ રાવળને પકડી પાડવા મહત્વની કામગીરી હાથ ધરી હતી. 2018માં ગણેશ વિસર્જનના દિવસે થયેલ હત્યાકાંડના કેસમાં આરોપી લાજપોર જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચે વિસ્તૃત તપાસ અને બાતમીના આધારે પુણાગામના સીતાનગર ચોકડીમાંથી આરોપીને પકડી પાડ્યો હતો.
ટકોર કરી હતી
23 સપ્ટેમ્બર, 2018ના રોજ ઓલપાડના સાયણ ઓવરબ્રિજ પાસે ફરિયાદી અને સાહેદો ગણેશ વિસર્જન પછી ઉભા હતા. આ સમયે આરોપી ચૈતન્ય મહેન્દ્ર રાવળ પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો. બેદરકારીપૂર્વક કાર હંકારવાના કારણે સાહેદ અમીષ પટેલના ડાબા પગમાં ઈજા પહોંચી હતી. તે સમયે તેની સાથે રહેલા ધવલ જગીશ પટેલે પણ આરોપીને વાહન ધીમુ હંકારવા માટે ટકોર કરી હતી. જોકે, સાથીદારની વાતથી નારાજ થઈને આરોપીએ તેના પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુના એક પછી એક ઘા ઝિંકીને આરોપીએ હત્યા આચરી હતી. 2018ની આ ઘટના બાદ આરોપી લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે, 15 ઓગસ્ટ, 2024ના રોજ 10 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો પરંતુ, પેરોલનો સમય પૂર્ણ થયા બાદ પણ જેલમાં પરત નહીં આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.
ખાસ ડ્રાઇવ કરાઈ
મકરસંક્રાંતિના તહેવારના સંદર્ભે અને શહેરમાં શાંતિ જાળવવા માટે સુરત ક્રાઈમ બ્રાંચે ફરાર આરોપીઓને પકડવા ખાસ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના ભાગરૂપે બાતમીના આધારે ચૈતન્ય રાવળને પુણાગામ સીતાનગર ચોકડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ચૈતન્ય રાવળ વિરુદ્ધ IPC કલમ 302 (હત્યા), 307 (હત્યા કરવાનો પ્રયાસ), અને અન્ય સંબંધિત કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસની વધુ તપાસ ચલાવતી ક્રાઈમ બ્રાંચ આ મામલામાં અન્ય સંડોવાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.

