સુરત/ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ ખોટકાતા 7 ફસાયા, દરવાજા તોડીને બાળકો મહિલાઓને બહાર કઢાયા

સુરતમાં ઊંચી ઊંચી ઈમારતો ખૂબ બની રહી છે. આ ઈમારતોમાં ચડ ઉતર કરવા માટે લોકો દાદરાનો ઉપયોગ કરવાની જગ્યાએ લિફ્ટનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે આ લિફ્ટ ખરાબ થઈ જાય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે કાપોદ્રામાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા 7 સભ્યો ફસાઈ ગયા હતાં. જેમને દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
કાપોદ્રા વિસ્તારમાં આવેલા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પરિવારના સાત સભ્યો ફસાયા હતાં. સાત સભ્યોમાં ત્રણ નાના બાળકો પણ હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટકી ગઈ હતી. ફાયર લાશ્કરોએ દરવાજો તોડીને તમામને સહી સલામત બહાર કાઢયા હતાં. લાઈવ રેસ્ક્યુના વીડિયો સામે આવ્યા છે.
ફસાયેલી મહિલાએ કહ્યું કે, લિફ્ટ બંધ થયા બાદ ઉપર જતી હતી અને અચાનક જ બંધ થઈ ગઈ હતી. શરૂઆતમાં અમે સમજી શક્યા નહોતા. બાદમાં શ્વાસ લેવામાં પણ પ્રશ્નો ઉભા થયા હતાં. બાળકો રાડારાડી કરવા લાગ્યા હતાં. જેથી અમે ફોન કરવાની સાથે રાડો પાડતાં લોકોએ ફાયરબ્રિગેડને ફોન કરીને અમને બહાર કાઢ્યાં હતાં. જો વધુ વાર લાગી હોત તો અમારા જીવ પણ જોખમમાં મૂકાય તેવી શક્યતા હતી.

