સુરતમાં MD ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું મોત, પરિવારે કહ્યું દારૂ છોડીને શરૂ કર્યુ હતું ડ્રગ્સ

સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ યુવકનું મોત થયું હોવાનું પરિવારનું અનુમાન છે.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે.
આ પણ વાંચોઃ સુરતમાં 80.140 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 રીઢા પકડાયા, કોર્ટે ફટકાર્યા 4 દિવસના રિમાન્ડ
સારવાર દરમિયાન મોત
ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીના નવાઝખાન પઠાણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. આ સાથે જ નવાઝખાન સમયાંતરે દારૂ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે એમડી ડ્રગ્સનું સેવન કરતો પણ થઈ ગયો હતો.ગત 20મીની રાત્રે 11 વાગ્યાના અરસામાં નવાઝખાન પઠાણે પોતાના ઘર પર કોઇ નશાકારક દ્રવ્યનું ઇન્જેકશન લીધું હતું. ત્યારબાદ સવારે તેને ખેંચ આવી ગઈ હતી અને બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ ત્રણ જેટલી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, કોઈ રિકવરી આવી ન હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી
આ મામલે મૃતકના ભાઈ ઇમરાનખાન પઠાણે કહ્યું કે, નવાઝખાન પઠાણ પહેલા દારૂ પીતો હતો. જોકે, છેલ્લા 15-20 દિવસથી એમડી ડ્રગ્સનો નશો કરવા લાગ્યો હતો. જેમાં ગત 20 જાન્યુઆરીના રોજ એમડી ડ્રગ્સ લેતાં ઓવરડોઝ થઈ ગયો હતો. ત્યારબાદ તે ઘરે બેભાન થઈ જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેની તબિયત વધુ ખરાબ થતા અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.આજે (28 જાન્યુઆરી) સવારે નવાઝખાન પઠાણનું મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયું હોવાના આક્ષેપના પગલે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નવાઝખાન પઠાણના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે, હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.
ઘરમાં કમાનારા ગુમાવ્યો
મૃતકના ભાઈએ કહ્યું કે, મારા ભાઈનું મોત એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે જ થયું છે. ઉન પાટીયાથી લઈને ધંધા ચોકડી સુધી આ ધંધો ચાલી રહ્યો છે. પોલીસને મારી એટલી જ વિનંતી છે કે, આ બધુ બંધ કરાવીને યુવાનોને બચાવવામાં આવે. આ ધંધા ઉપર કાર્યવાહી કરો. મારા ભાઈને ત્રણ દીકરીઓ છે અને ઘરમાં કામાવાળો એ એક જ હતો. મારા ભાઈને ન્યાય જોઈએ.

