સુરતના વાલક બ્રિજ પર હિટ એન્ડ રન કેસમાં 6ને અડફેટે લેનાર મુખ્ય આરોપીની ધરપકડ

સુરતમાં વાલક બ્રિજ પર હિટ એન્ડ રનના ગંભીર અકસ્માતને મામલે મુખ્ય આરોપી કીર્તન ડાંખરાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી કાર ચલાવી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાતા આરોપીએ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતા જેમાં બે સગાં ભાઈઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
લસકાણા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
આ પણ વાંચો : સુરતમાં 130ની સ્પીડે દોડતી કારે ડિવાઈડર કુદાવી છને અડફેટે લીધા, બે સગા ભાઈઓના ઘટનાસ્થળે જ મોત
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે (8 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
કાર ચાલક થયો હતો ફરાર
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. નોંધનીય છે કે, અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતા. જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો. જોકે, કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

