સુરત સ્વામિનારાયણ ગુરુકુળમાં માઘસ્નાન, 200 વિદ્યાર્થીઓ-સંતો ઠંડા માટલાના પાણીથી સ્નાન

સુરત વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો તથા વિદ્યાર્થીઓ આ મહિના દરમિયાન દર વર્ષે સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ માઘસ્નાનનો વિધિ બતાવતા ગુરુકુલના પ્રભુસ્વામીએ કહ્યું હતું કે, સાંજે માટીના માટલામાં પાણી ભરી તેને ખૂલ્લી જગ્યામાં મૂકવામાં આવે છે. આખી રાત્રી આકાશમાંથી વરસતી ઠંડી તથા પવનના સુસવાટા વચ્ચે માટલામાં ઠંડા થયેલા પાણીથી વહેલી સવારે સ્નાન કરવાનું. સ્નાન કરી શરીરને કપડેથી લુછ્યા વિના ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ તથા પ્રદક્ષિણા કરી ફરી નળના ઠંડા પાણીથી સ્નાન કરી વસ્ત્ર પહેરવાના.
આ પણ વાંચોઃ સુરતના 5 રત્નકલાકારોએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે બનાવી અનોખી ભેટ, જુઓ PHOTO
મળસ્કે થાય છે માઘસ્નાન
વ્યાસ ભગવાને સમૂદ્રસ્નાનને ઉત્તમ કહ્યું છે પરંતુ તે શક્ય ન હોય તો સમૂદ્રને મળતી નદીમાં કે અન્ય નદીમાં સ્નાન ઉત્તરોત્તર કહ્યું છે. એ પણ ન હોય તો માટલા સ્નાને ગંગા સ્નાન કર્યાનું ફળ મળે છે. તેમા પણ આકાશમાં તારા દેખાતા હોય તે દરમિયાન થતું સ્નાન ઉત્તમ, સૂર્યોદય પહેલાનું મધ્યમ અને સૂર્યોદય પછીનું સ્નાન કનિષ્ઠ કહેલું છે.સંતો વહેલી સવારે 4-30 કલાકે માઘસ્નાન કરે છે. તે જોઈને વિદ્યાર્થીઓ પણ માધસ્નાન કરવા પ્રેરાય છે પરંતુ ફક્ત મોટા વિદ્યાર્થીઓને જ ધર્મવલ્લભ દાસજી સ્વામી મંજૂરી આપે છે.
તમ-મનને આપે છે તંદુરસ્તી
આ સ્નાનથી આધ્યાત્મિક બળ તો છે જ પરંતુ એ સાથે ઠંડીની સામે યુદ્ધ કરાવાનો આત્મવિશ્વાસ દૃઢ બને છે. મન મજબૂત બને છે, લોહીનું પરિભ્રમણ વેગીલું બને છે એટલે શરીરમાં તુરત સ્ફૂર્તિ વધે છે. શરદી પણ નથી થતી આજે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને વહેલું ઉઠવામાં અને ઠંડા પાણીએ સ્નાન કરવામાં ડર નથી લાગતો, આળસ નથી આવતી. બર્ફીલા પાણીથી સ્નાન કરવું એ શૂરવીરતા માગી લે છે. દેશ-વિદેશમાં રહેલા ગુરુકુલના સંતો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હરિભક્તો, મહિલા- પુરુષો આ સ્નાન કરી ભગવાનની પ્રસન્નતા સાથે કુંભમાં સ્નાન કર્યાનું ફળ મેળવી ધન્યતા તેમજ તન-મનની તંદુરસ્તી મેળવે છે.

