સુરતમાં ઝોલાછાપ હોસ્પિટલના ઉદઘાટને 'પાવરફૂલ' લોકોની પોલ ખોલી, નેતાઓ સહિત પોલીસના અધિકારી હતા હાજર

સુરતની કર્મયોગી સોસાયટીમાં ખંડેર થિયેટરમાં બનાવાયેલી હોસ્પિટલના વિવાદમાં હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી. ત્યારે આ હોસ્પિટલના ઉદઘાટનમાં જોઈન્ટ પોલીસ કમિશનર હાજર રહ્યા હતાં. જ્યારે ભાજપના પાવરફૂલ નેતાના રાઈટ હેન્ડ દ્વારા જ રિબિન કાપીને હોસ્પિટલને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ લોકોના હતા નામ પત્રિકામાં
ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ મનપા કમિશનર અને અતિથી વિશેષ પો. કમિશનર અને જોઈન્ટ પો.કમિશનરના નામની સાથે જોઈન્ટ પો.કમિશનર ઉદઘાટન સમારોહમાં હાજરી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલની રિબિન ગુજરાત ભાજપના કદાવર નેતાના રાઈટ હેન્ડે કાપી હતી.સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થયા હતાં.
રજીસ્ટ્રેશન નિયમ મુજબ ન હતું
આરોગ્ય વિભાગની તપાસમાં એવું બહાર આવ્યું છે કે હોસ્પિટલ નકલી નથી. હોસ્પિટલ કોઇપણ વ્યક્તિ શરૂ કરી શકે છે. પરંતુ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઇડ છે કે કેમ તેની તપાસ શરૂ કરાઇ છે. જોકે પ્રાથમિક તપાસમાં બે ડોક્ટરો પાસે ડિગ્રી હોવાનું સ્પષ્ટ થયું છે. જ્યારે બાકીના ડોક્ટરો પાસે ડિગ્રી છે કે કેમ તેની તપાસ કરાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ શરૂ થયાના એક જ દિવસમાં સીલ કરી દેવામાં આવી હતી. કેમ કે આ હોસ્પિટલે નિયમ મુજબ રજિસ્ટ્રેશન કરાવ્યું જ ન હતું.
શું છે વિવાદ?
હોસ્પિટલના ત્રણ મુખ્ય ડોક્ટર પૈકી બબલુ રામઆશ્રય શુકલા, રાજારામ દુબે વિરુદ્ધ બોગસ તબીબનો પોલીસ કેસ નોંધાયો છે. જ્યારે ડો. જી.પી. મિશ્રા વિરુદ્ધ દારૂની હેરાફેરીનો કેસ નોંધાયો છે. લોકોના સાથે ચેડાં કરતાં બે બોગસ ડોક્ટર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી વિવાદ ઉભો થયો હતો.

