પાટીદાર યુવતીઓ મામલે નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા, જાણો શું કહ્યું

કાજલ હિન્દુસ્તાની ફરી વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની યુવતીઓ અંગે વિવાદિત નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. તેની સામે મોરબી સિટી-A ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પાટીદાર આગેવાન મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ નોંધવા પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે અરજી કરી છે. કેટલીક જગ્યાએ કાજલ હિન્દુસ્તાનીના પુતળાનું દહન કરાયું છે. આ વચ્ચે હવે કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા સામે આવી છે.
પાટીદારોની દીકરીઓ મુદ્દે નિવેદન બાદ વિવાદ થતા કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા સામે આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે કહે છે કે, 'લોકોને એમ લાગ્યું કે બહેન નથી આવતા, ડરી ગયા છે, ફેસ નથી કરી શકતા. હકિકતમાં તમને એવું લાગે કે હું કોઈ પણ પરિસ્થિતિથી ભાગી શકું? હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું. મારામાં એટલી હિમ્મત છે કે હું દરેક પરિસ્થિતિને ફેસ કરી શકું છું. મેં કોઈ પૂણ્ય કર્યા કે મને સપોર્ટ કરનારા ભાઈઓ-બહેનો મળ્યા છે. આ ઘટના આજથી 11 મહિના પહેલાની છે, સુરતમાં એક સભા હતી. પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારોહ હતો. ઓડિયન્સ પાટીદાર હતું. મને વિષય લવજેહાદ અપાયો હતો. મેં સમસ્ત સમાજના દાખલા સામે મૂક્યા હતા. 5-10 સેકેન્ડની ક્લિપ વાયરલ કરાઈ છે, આખુ 50 મિનિટનું નિવેદન સાંભળો તો તમામ સમાજના દાખલા આપેલા છે. જો આપની આસપાસમાં આવું થઈ રહ્યું છે તો ધ્યાન રાખવું પડશે. ચૂંટણી સમયે નાની ક્લિપ ચલાવવામાં આવી રહી છે. કોંગ્રેસી નેતાઓએ કાવતરું રચ્યું છે. મારા મોબાઈલ નંબર સોશયિલ મીડિયા પર વાયરલ કરી દીધા છે. કોંગ્રેસ પર તરસ આવે છે કે આ તમારી કેવી માનસિકતા છે. શું આ સંસ્કાર છે કે નંબર વાયરલ કરો અને ધમકી આપો.'
તેમને બોલવાનું ભાન નથી : મનોજ પનારા
કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવનારા મનોજ પનારાએ પલટવાર કરતા કહ્યું છે કે, કાજલ હિન્દુસ્તાની આ ઘટનાને રાજકીય રંગ આપી રહ્યા છે. આ રાજકીય વાત નથી. તેમને બોલવાનું ભાન નથી.
આજે નહીં તો કાલે માફી માંગવી જ પડશે: ધનજી પાટીદાર
તો ધનજી પાટીદારે ચેતવણી આપતા કહ્યું કે, કાજલ હિન્દુસ્તાની લાજવાની બદલે ગાજી રહ્યા છે. તેમને નિવેદન પાછું ખેંચવું જ પડશે. આજે નહીં તો કાલે માફી માંગવી જ પડશે.
કાજલ હિંદુસ્તાની કોણ છે?
કાલજ હિન્દુસ્તાનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'ના બાયોમાં ઉદ્યોગ સાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને ગૌરવપૂર્ણ ભારતીય તરીકે વર્ણવે છે. 'X' પર 1,99,000 ફોલોઅર્સ છે. કાજલ હિન્દુસ્તાનીનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને 'ગુજરાતની સિંહણ' કહે છે. તે કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાજલ હિન્દુસ્તાનીના નામે 'X' પર એકાઉન્ટ પણ બનાવ્યું છે. કાજલ ટીવી ડિબેટ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે.

