સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની આબરૂના ઉડ્યાં ધજાગરા, પરિસરમાં જોવા મળ્યા ભૂંડના ટોળા

સુરતમાં થોડા સમય અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે, સુરત એરપોર્ટ તંત્ર સુધરવાનું નામ ન લેતું હોય તેવા દ્રશ્યો ફરી સામે આવ્યાં છે. અગાઉ ભેંસ પ્લેન સાથે ટકરાઈ હતી. ત્યારે આ વખતે ભૂંડના ટોળા એરપોર્ટ પરિસરમાં મિજબાની માણી રહ્યાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એરપોર્ટ ઓથોરિટી સામે પ્રશ્નો ઉભા થતાં લૂલા બચાવ કરવાની સાથે સાથે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂના લીરેલીરા ઉડાવતાં ભૂંડના ટોળાથી દિવાલમાં બાકોરાં પડ્યાં છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઉભાં થયાં છે. બીજી તરફ આટલી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ ભૂંડનો પ્રવેશ એરપોર્ટ પરિસરમાં કેવી રીતે થયો તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર મુદ્દે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મામલે લૂલા બચાવ કરવા સિવાય કઈ નક્કર કાર્યવાહીની વાત ઉચ્ચારી નથી.
સુરતના એરપોર્ટ ડિરેક્ટર એસ.સી.ભાલસેએ કહ્યું કે, શ્વાન અને ભૂંડ પકડવાનું કામ એરપોર્ટ ઓથોરિટીનું નથી. આ કામ મહાનગરપાલિકાનું છે. એરપોર્ટ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટની દિવાલમાં બાકોરા પડ્યા છે કે કેમ એની તપાસ કરાશે, શ્વાન અને ભૂંડ અંગે ઘણી વાર સુરત મહાનગર પાલિકાને લેખિતમાં રજૂઆતો કરી છે.
સુરત એરપોર્ટ પર થોડા દિવસો અગાઉ જ એક ડમ્પરની સાથે પ્લેનની પાંખ ટકરાઈ હતી. આ સિવાય છેલ્લા છ વર્ષણાં 101 બર્ડ હીટ અને એનિમલ હીટના બનાવો બન્યા છે. તેમ છતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભૂંડ અંદર પ્રવેશી ગયા હોવાના બનાવો બન્યાં છે. ત્યારે અગાઉ ભેંસ ભટકાતા સુરતથી પ્લેન ઉડવાના બંધ થયા હતાં. તેવી ઘટના ન સર્જાય તે માટે તકેદારી રાખવામાં આવે તે જરૂરી બન્યું હોવા છતાં લાપરવાહી રાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

