સુરત/ પરિણીતાના પૂર્વ પ્રેમી સાથેના ફોટો વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરણીતાએ ગતરોજ અજાણ્યા વ્યક્તિ સામે કાપોદ્રા પોલીસ મથકમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. જેમાં આ ઈસમે પરણીતાના પૂર્વ પ્રેમી સાથેના ફોટાઓ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં મૂકી તેણીને બદનામ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બદનક્ષી નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન થયા બાદ તે તેના પતિ સાથે કાપોદ્રા વિસ્તારમાં વસવાટ કરે છે. આ દરમિયાન તારીખ 26/3/2024 ના રોજ સવારે 11:30 વાગ્યાના અરસામાં ક્રિષ્ના નામની ઇન્સ્ટાગ્રામ આઈડી માંથી પરણીતાના પતિને અજાણ્યા વ્યક્તિએ મેસેજ કર્યા હતા. પતિ સાથે મેસેજથી વાતચીત કર્યા બાદ આ ઈસમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પરણીતાની સંમતિ વિના તેના પૂર્વ પ્રેમી સાથેના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
જેથી આખાને પરણીતા પરિવાર અને સગા સંબંધી સાથે સમાજમાં બદનામ થતા તેણીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો કાપોદ્રા પોલીસે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવનાર ઈસમ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

