સુરત/ પાલિકાના 142 સિક્યુરિટી ગાર્ડ ડબલ ડ્યુટી કરતાં ઝડપાયા, નિયમનો ભંગ થતાં એજન્સીને 5.78 લાખનો દંડ

સુરત મહાનગર પાલિકાની તમામ ઝોન ઓફિસમાં સિક્યુરિટી રાખવામાં આવે છે. આ સિક્યુરિટી ગાર્ડને લઈને ફરિયાદો કરવામાં આવી હતી. જે મામલે તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તપાસ કરતા 142 સિક્યુરિટી ગાર્ડ ડબલ ડ્યુટી કરતા ઝડપાયા હતાં. ઝડપાયેલા તમામ સિક્યુરિટી ગાર્ડ બીજે પણ ડ્યુટી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં નિયમ છે. તેમ છતાં ઝડપાયેલા તમામ સિક્યુરિટી ગાર્ડના એજન્સીઓ વિરુદ્ધ પાલિકાએ રૂપિયા 5.78 લાખનો દંડ ફટકાર્યો છે. આ દંડ ફટકારીને પાલિકા દ્વારા તમામ કામગીરી નિયમો અને ટેન્ડર પ્રમાણે થાય તેવો દાખલો બેસાડવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, પાલિકાની મિલકતો અને ઝોન ઓફિસને લઈને ફરિયાદ આવતા બે અઢી મહિના પહેલા જ તપાસ કરવામાં આવી હતી. જેમાં 10 જેટલી એજન્સીના જવાનો ડબલ ડ્યુટી કરતાં હતાં. જેથી આગામી સમયમાં દંડ તો ફટકારાયો છે. પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ઘણી એજન્સી વધુ કલાક કામ કરાવતી તો ક્યાંક ડબલ ડ્યુટી કરાવવામાં આવતી હતી.

