પાંચ હજાર શિક્ષકોને અપાઈ AIની ટ્રેનિંગ, વિદ્યાર્થીઓના કૌશલ્યને મળશે પાંખો

વર્તમાન સમય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે. દેશ વિદેશમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. વિશ્વના નેતાઓ એઆઈ વિષે બેઠકો યોજી રહ્યાં છે. ત્યારે છેલ્લા 3 મહિનાથી રેડ એન્ડ વાઈટ સંસ્થા દ્વારા સ્કીલ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના 5 હજાર શિક્ષકો માટે ખાસ તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને નવી દિશા આપનારા શિક્ષકોને એઆઈ અંગે તાલિમ આપવામાં આવી હતી.
3 મહિના ચાલ્યો કાર્યક્રમ
રાજ્યના 10થી વધુ શહેરોમાં છેલ્લા 3 મહિનામાં સંસ્થા દ્વારા 20થી વધુ કાર્યક્રમો આપવામાં આવ્યાં હતાં. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેની પાયાની બારિકાઈપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. તાલીમના માધ્યમથી શિક્ષકો AIનો ઉપયોગ કરીને પોતાના દૈનિક કાર્યોને સરળ બનાવી શકે અને વિદ્યાર્થીઓ માટે વધુ ઇનોવેટિવ શીખવાની પદ્ધતિ અપનાવી શકે તેવો હેતુ હતો.
શિક્ષકોએ ગણાવ્યો ક્રાંતિકારી પ્રોગ્રામ
તાલિમ મેળવનારા શિક્ષકોએ કહ્યું કે, આ પહેલ ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે ટેકનોલોજીકલ ક્રાંતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. નવા યુગની પેઢીને AI Ready બનાવશે. અમને મળેલી તાલિમથી અમે આવનારી પેઢી માટે વધુ સારા માર્ગદર્શક બની શકીશું. આ તાલિમ ઘણી ઉપયોગી થશે તેવો આશાવાદ શિક્ષકોએ વ્યક્ત કર્યો હતો.

