સુરતમાં મહિલા PSIનું છલકાયું દર્દ, કહ્યું ‘દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાં 10 પટેલ યુવાનો’
સુરત: સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PSIનો વીડિયો વાયરલ થયો છે. પટેલ સમાજના એક કાર્યક્રમમાં મહિલા PSIએ સમાજ માટે વાત કરી હતી.
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI ઉર્વીષા મેંદપરાનું નિવેદન સામે આવ્યું છે. PSI ઉર્વીષા મેંદપરાએ પટેલ સમાજના યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું. તેમને કહ્યું કે, પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. અમે દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાં 10 લોકો પટેલ યુવાનો હોય છે. પાછી મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજો. આવા લોકોને કોઈ ભલામણ ના કરે તો પણ મારા પટેલ સમાજના છોકરાઓને છોડવાના નહીં. આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે. તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો. સાયબર ક્રાઇમના કેસો આવે છે તેમાં 50 ટકા પટેલ સમાજના હોય છે. શું કરવા અવળા રસ્તે જાઓ છો? શું કામ પતન તરફ જવાનું. લોકો અમને કહે છે કે સાહેબ તમારો સમાજ છે.”

