VIDEO: પિતા જ નીકળ્યો માસૂમનો અપહરણકર્તા: વેસુ પોલીસે મુંબઈ બોરીવલીમાંથી બાળકને મુક્ત કરાવ્યો.
સુરતના વેસુ વિસ્તારમાં મહિલા તબીબના ૩.૫ વર્ષના માસૂમ પુત્રનું શાળા બહારથી કેરટેકરના હાથમાંથી પિતા દ્વારા અપહરણ કરાવાના મામલે વેસુ પોલીસે મોટું ઓપરેશન પાર પાડી બાળકને મુંબઈથી હેમખેમ મુક્ત કરાવ્યો છે. ગત ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ બાળકના પિતા ઈશાન દુષ્યંત પટેલ બાળકને ઝૂંટવીને ફરાર થઈ જતાં ફરિયાદી માતા ડો. નંદિતા પટેલે પતિ, સસરા દુષ્યંત પટેલ અને સાસુ રોહિણી પટેલ સામે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે સુરતથી મુંબઈ સુધીના ૯૧ સીસીટીવી કેમેરા અને હાઈવેને બદલે ગામડાંના રસ્તાઓ ટ્રેસ કરીને તપાસ હાથ ધરી હતી. વેસુ પોલીસે મુંબઈના બોરીવલી સ્થિત એક ફ્લેટમાં સતત બે દિવસ સુધી વોચ ગોઠવીને બાળકનો કબજો મેળવ્યો હતો અને ત્રણેય આરોપીઓને કાયદાકીય નોટિસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમ પુત્ર હેમખેમ પરત મળતાં પીડિત માતાએ રાહતનો શ્વાસ લીધો હતો અને સુરત પોલીસની સરાહનીય કામગીરીનો આભાર માન્યો હતો.

