સુરતમાં ઘેરી બનતી હીરાની મંદી, હાલત કફોડી થતાં એક જ વર્ષમાં 50થી વધુ રત્ન કલાકારોએ કર્યો આપઘાત

વિશ્વભરમાં ચાલતા યુદ્ધોની સીધી અસર સુરત પર પડી છે. સુરતમાં દુનિયાભરના 10માંથી 9 હીરા પોલીશિંગ માટે આવે છે. ત્યારે સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે રત્ન કલાકારોને હાલત કફોડી થઈ ગઈ છે. એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારો દ્વારા મંદીના કારણે આપઘાત કર્યો છે. પરિવારોની આંખો ભીની થઈ રહી છે. તેમ છતાં સરકાર તરફથી કોઈપણ સહાય અત્યાર સુધી આપવામાં આવી નથી.
આ પણ વાંચોઃ લ્યો બોલો! ગુજરાતની આ શાળામાં બે શિક્ષક પણ વિદ્યાર્થી એકેય નહીં...
દેવામાં દબાઈને આપઘાત
આપઘાત કરનાર નીતિન ભાઈ પટેલ રત્નકલાકારના પરિવાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. પરિવારે દુઃખ સાથે તેમની વેદના ઠાલવી હતી. વૈશાલીબેન પટેલે વાતચીત શરૂ કરતા કહ્યું, ‘મારા વર્ષ 2011માં મેરેજ થયા હતા. મારા પતિ નીતિન લગ્ન પહેલાંથી હીરા ઘસવાનું કામ કરતા. છેલ્લે તેમનો મહિનાનો 15 હજાર પગાર હતો. કપાઈને 12 હજાર આવતા. તેમના કામની કોઇ ફિક્સ જગ્યા નહોતી. એક જગ્યાએ છૂટા કરે તો બીજી જગ્યાએ શોધતા. બે વર્ષ પહેલાં મંદીના કારણ ઘરે જ હતા. વારંવાર એવું કહ્યા કરતા કે ઘર કેવી રીતે ચલાવીશું. નોકરી નથી અને માથે થોડું દેવું પણ હતું. તેઓ સતત ચિંતામાં રહ્યા કરતા હતા. અનાજ-પાણી, છોકરાઓની ફીની પણ તકલીફ થઈ ગઇ હતી. છ મહિના સુધી છોકરાઓની ફી નહોતી ભરી.
પતિને મદદરૂપ થવા નોકરી
'ચાર મહિના બાદ તેમને એક જગ્યાએ હીરામાં નોકરી મળી ગઇ હતી. નોકરી કરી રહ્યા હતા પછી લાસ્ટ દિવસે તેઓ નાઇટમાં ગયા હતા. કારખાનામાં એક હીરો ખોવાઇ ગયો હતો. મેં સવારે નવ વાગ્યે ફોન કર્યો કે કેમ તમે હજુ આવ્યા નથી. એ કહે કે મારો એક ડાયમંડ ખોવાઇ ગયો છે. મને વાર લાગશે. તું ભગવાનને પ્રાર્થના કર કે મને ડાયમંડ મળી જાય. પછી ડાયમંડ મળી જતાં એ ઘરે આવી ગયા. ઘરે આવીને મને કહે કે મને ત્યાંથી નોકરીની ના પાડી દીધી છે. એટલે મેં તેમને દિલાસો આપ્યો કે ફરી બીજે નોકરી મળી જશે, તમે ચિંતા ન કરો. પતિને મદદરૂપ થવા મેં 2500 રૂપિયામાં પાર્ટ ટાઇમ નોકરી શરૂ કરી હતી. શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવાનું કામ કરું છું.’
દુપટ્ટાથી ફાંસો ખાધો
એ દિવસે બપોરે બાર વાગ્યે અમે સાથે જમ્યાં. પછી મને કહે, ‘હું સૂઈ જઉં છું.’ મે કહ્યું, ‘સારું.’ એ દિવસે મારા મમ્મીનો ફોન આવ્યો હતો. અમારે બંનેને જવાનું હતું. પણ મેં પતિને કહ્યું, ‘તમે એકલા જઇ આવો. હું પછી આવું છું.’ તો મને કહે, ‘ના તું નોકરી પરથી આવ. પછી આપણે સાથે જઇશું.’ એ દિવસે પછી દીકરીને સ્કૂલેથી લઇ આવ્યાં. છોકરાઓને બહાર રમવા મોકલ્યાં. પછી અંદર રૂમમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો. હું જોબ પર પહોંચી કે તરત ફોન આવ્યો કે આવું થયું. આ બધું મારા નાના છોકરાએ જોયું હતું. તેને દરવાજાના નાના કાણામાંથી પગ દેખાતા હતા. હિંમત કરીને એને આજુબાજુમાંથી બધાને બોલાવ્યા કે દરવાજો બંધ છે અને મારા પપ્પાના પગ લટકે છે. પાડોશીઓ આવ્યા. દરવાજો ખોલીને બોડી નીચે ઉતારી હતી.’

કેમ આવું પગલું ભરાય છે
‘મારાં પતિ નીતિનને ગાડીનો શોખ હતો. કહેતા આપણે કમાઈશું તો ઘર અને ગાડી લઇશું. દોઢેક મહિનાથી રોજ સવારે અપ ટુ ડેટ તૈયાર થતાં, ગોગલ્સ ચડાવતા. હું એમને કહેતી કે કેમ આટલા બધા તૈયાર થાઓ છો? તો મને કહેતા કેમ મારે શોખ નહીં કરવાનો? ત્યારે મને આવી લાઇટ ન થઇ કે આ માણસ આવું કરશે. મારા ભાઇનો એક્સિડેન્ટ થયો ત્યારે દોઢ મહિનો એમણે જ તેની સેવા કરી હતી. પતિ તો એવું કહેતા કે જીવન જીવવાનું હોય મરવાનું નહીં. શું કામ મરી જવાનું? ભગવાને આપણને જન્મ આપ્યો છે તો. અમે અને એમના મિત્રો હજી વિચારીએ છીએ કે આ માણસે કેમ આવું પગલું ભર્યું?’
એમના વગર જિંદગી જીવવી અઘરી
‘અત્યારે પરિવારમાં હું અને દીકરી-દીકરો છીએ. બંને ભણે છે. મહિનાનો મારો 2500 રૂપિયા પગાર છે. ઘર નથી ચાલતું પણ અત્યારે મારાં મમ્મી-પપ્પાનો સપોર્ટ છે. પતિના ગયા પછી કેવી રીતે જીવવું, શું કરવું, કંઇ સમજ જ નથી પડતી. એ હતા ત્યારે હતું કે સપોર્ટ છે. હવે તો કોનો સપોર્ટ? એમના વગર જિંદગી જીવવી અઘરી છે. આ તો જેની ઉપર વીતે એને ખબર પડે.’
50થી વધુ આપઘાત
સુરત ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકે કહ્યું કેૉસુરતમાં રત્નકલાકારોની વાસ્તવિક સ્થિતિથી વાકેફ કર્યા હતા.ભાવેશભાઈ ટાંકે કારીગરો માનસિક હતાશામાં છે કહ્યું, ‘મેં મારી લાઈફમાં આવી મંદી ક્યારેય નથી જોઇ. રત્નકલાકારોને ઘર ચલાવવામાં ખૂબ જ મુસીબત પડી રહી છે. ઘરમાલિકો ભાડાં ઓછા નથી કરતાં કે સ્કૂલો ફી ઓછી નથી કરતી. કારીગરોનો પગાર અત્યારે એટલો નથી પરંતુ બોધરેશન તેજીમાં હતું એટલું જ છે. પગાર 30થી 50% ઘટી ગયો છે. એના કારણે કારીગરો માનસિક હતાશામાં છે. અને સુસાઇડ પણ કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 49 કરતાં વધારે લોકોએ આપઘાત કર્યા છે. બે વર્ષનો આંકડો 70 કરતાં વધારે છે.’
સરકારી સહાય કેમ નહી
મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી કેમ સહાય નહીં? તેમણે આગળ કહ્યું, 'સરકારને અમે વારંવાર વિનંતી કરીએ કે આત્મહત્યા કરતાં રત્નકલાકારના પરિવારને સહાય આપો પણ સરકારે હજી સુધી સહાય નથી ચૂકવી. વિજય રૂપાણીની સરકારમાં લઠ્ઠાકાંડ થયો હતો, એમાં 4-4 લાખની સહાય આપી હતી. તો કારીગરોએ શું ગુનો કર્યો છે? એમને મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી કેમ સહાય નથી આપતા? આ એ કારીગરો છે જેમણે ભૂજના ભૂકંપ કે ઉત્તરાખંડના પૂર ઉપરાંત ગુજરાતની કુદરતી કે માનવસર્જિત આફતો સામે લડવા માટે પોતાના પગારમાંથી સૌથી પહેલા મોટું ફંડ ઊભું કર્યું છે.’

