VIDEO: વરસાદ ખેંચાતા શેરડી સહિતના પાકમાં સુકારો, ખેડૂતો ચિંતામાં
સુરતના ગ્રામ્ય પંથકમાં કુદરતે રૂપ બદલ્યું છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં અનરાધાર વરસતો વરસાદ આ વર્ષે ગાયબ થઈ જતાં સુરત જિલ્લામાં આશરે ૨૫ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.વરસાદમાં ઘટ નોંધાતા ખેડૂતોનો શેરડીનો પાક સુકાઈ રહ્યો છે, પાણીના અભાવે પાકમાં સુકારાનો રોગ આવવાનું જોખમ ઊભું થયું છે. શેરડીના પાકમાં વાઇટ ફ્લાય નો ઉપદ્રવ ખૂબ વધ્યો છે, ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ રહ્યો છે, મોંઘા બિયારણ, ખાતર અને મહેનત એળે જવાની ભીતિથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જુલાઈ મહિનામાં જ્યાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું, ત્યાં ઓગસ્ટ મહિનો આવતાં જ વરસાદે અચાનક વિરામ લઈ લીધો છે. હવે જો સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં વરુણદેવ મહેરબાન નહીં થાય, તો સુરત જિલ્લાના કૃષિ ક્ષેત્રને મોટો આર્થિક ફટકો પડે તેમ છે. શેરડીના ઓછા ઉત્પાદનની માઠી અસર સુગર ફેક્ટરીઓને પડે તેમ છે.

