સુરતની લોકસભા બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીને આપી ટિકિટ, બે વાર કોર્પોરેશન એકવાર લડ્યા છે વિધાનસભા

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેથી દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપે અગાઉ જ મુકેશ દલાલને ટિકિટ આપી દીધી છે. જ્યારે કોંગ્રેસના બળતાં ઘરની ટિકિટ લેવા માટે ભરૂચથી પણ દાવેદારી નોંધાવાઈ હતી. ત્યારે આ વખતે કોંગ્રેસે સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંભાણીને આપી છે. નિલેશ કુંભાણી બે વાર કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યાં છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીને સુરત બેઠક પર ટીકીટ અપાઈ છે. મૂળ રાજુલાના નિલેશ કુંભાણી બે વાર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા છે. જેમાંથી એકવાર કોંગ્રેસ તરફથી જીતી પણ ચૂક્યાં છે. જ્યારે એકવાર વિધાનસભા લડી ચૂક્યા છે. જેમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો છે.
સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એકતરફી જંગ થવાનો છે. નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે. ખેડૂત પુત્ર અને પાટીદાર સમાજથી આવનાર નિલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે. ત્યારે આ વખતે તેઓ ભાજપના ગઢમાં ગાબડા પાડવા કરતાં કેટલા મતોની ભાજપની જીતની લીડ ઘટાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

