Surat News: CM ભૂપેન્દ્ર પટેલે ખાડીપૂરના કાયમી નિરાકરણની આપી ખાતરી, 435 કરોડના વિકાસના પ્રકલ્પોની આપી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત મનપા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકો માટે નવનિર્મિત ૧૪૯૪ પી.એમ.આવસોનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો. સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે સંવાદ કરી મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.સાથે જ ખાડીપૂરના કાયમી નિરાકરણની પણ ખાતરી આપી હતી.
રોબોટિક લેબ્સ કાર્યરત
સુરત મનપાની શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ કાર્યરત થઈ છે, જે અંગે સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને AI બેઝ્ડ સ્માર્ટ એન્ડ ઈનોવેટિવ એજ્યુકેશન અંગે માહિતગાર કર્યા હતા. સુરત મનપાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાજણ-પાલના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આયોજિત સમારોહમાં સુરતવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સુરત શહેર- જિલ્લામાં શ્રેણીબદ્ધ વિકાસ કામો થઈ રહ્યા છે. સુરતીઓની સુખસુવિધા વધારતા કરોડોના વિકાસના કામો સુરતીઓના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે.
સુરતની કાયપલટ
છેલ્લા બે દાયકાની સુરતની અવિરત વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની વણઝારથી સુરતની કાયપલટ થઈ છે, સુરતવાસીઓની સુખાકારી, ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે. સાથોસાથ સુરતે સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં નવી ઓળખ ઉભી કરી છે. આજના કરોડોના વિકાસકામો અને ભવિષ્યલક્ષી આયોજનને સુરત ઇકોનોમિક રિજીયનમાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક ક્ષેત્રે મોટું પરિવર્તન લાવનારા ગણાવી વિકસિત ગુજરાતના નિર્માણમાં સુરત અગ્રિમ યોગદાન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન
'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪' અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સર્વોચ્ચ અંકો મેળવવા સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને તેમજ સુરતવાસીઓને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા હતા. સ્વચ્છતા અને વિકાસમાં શિરમોર સ્થાન મેળવી સુરત શહેરે ‘સુરત સોનાની મૂરત’ની ઉક્તિ સાર્થક કરી હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સુરતને દેશના સૌથી ચાર સ્વચ્છ શહેરોની સુપર સ્વચ્છ લીગમાં સ્થાન મેળવી કાયમી સ્વચ્છ શહેરની સિદ્ધિ બદલ સુરતની સ્વચ્છતા ટીમ અને કર્મચારીઓના પુરૂષાર્થ-પરિશ્રમને બિરદાવતા જણાવ્યું કે, ‘સ્વચ્છ સુરત’ માટે પાયાના પથ્થર સમાન સૌ સ્વચ્છતાકર્મીઓ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યા છે. ખાસ કરીને સ્વચ્છતાને સ્વભાવમાં વણી લઈ સુરતની સ્વચ્છતાને જાળવી રાખવા કર્તવ્યનિષ્ઠ બનવા ભારપૂર્વક અનુરોધ કરી જળ-પર્યાવરણ-ઊર્જા સંરક્ષણ દ્વારા વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.
ગ્રીન મોબિલિટીના ક્ષેત્રમાં દેશભરનું પ્રથમ ક્રમ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. આ સંકલ્પપૂર્તિ માટે ગુજરાતે 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’નો રોડમેપ બનાવ્યો છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબના રૂપમાં વિકસાવવાનો પ્લાન અમલી છે, ત્યારે વડાપ્રધાનના વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો હોવાનું ઉમેર્યું હતું.૧૦૮ કિમીના બી.આર.ટી.એસ રૂટ સાથે ૪૫૦ ઈ-બસોનું સંચાલન કરી સુરત ગ્રીન મોબિલિટીના ક્ષેત્રમાં દેશભરનું પ્રથમ ક્રમનું શહેર બન્યું છે એનો ઉલ્લેખ કરી તેમણે સુરત મનપા અને અધિકારીઓને બિરદાવ્યા હતા.
વિકાસ વર્ષ ઉજવવાની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૫માં રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પહેલીવાર શહેરી વિકાસ વર્ષ ઉજવવાની શરૂઆત કરી હતી, જેનાથી ગુજરાતના શહેરીકરણને નવી દિશા મળી છે. સરકારે રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના બનાવવા માટે વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી ‘શહેરીકરણ સમસ્યા નહીં, પણ અવસર’ એવા મંત્ર સાથે નગરો-મહાનગરો અને ગામોને ‘ગ્રીન, ક્લીન અને સ્વચ્છ’ બનાવવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના શહેરો ગ્રીન ગ્રોથ અનૂકૂળ બને એવું રાજ્ય સરકારનું વિઝન હોવાનું કહ્યું હતું.
શહાદતનું સ્મરણ
આજે કારગીલ વિજય દિવસે મુખ્યમંત્રીશ્રીએ કારગીલ યુદ્ધમાં વિજયના પરાક્રમી નાયકો, શહીદ વીર સૈનિકોનું સ્મરણ કરી અંજલિ અર્પણ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાનું મનોબળ વધારી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે વિકાસની રાજનીતિથી વિકસિત ભારતના નિર્માણ માટે દિનરાત કાર્યરત છે, ત્યારે દેશના વડાપ્રધાન તરીકે ૪૦૭૯ દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી રાષ્ટ્ર સેવાથી સાચા જનસેવકની પ્રતીતિ કરાવી છે એમ જણાવી યશસ્વી કાર્યકાળ બદલ વડાપ્રધાનને શુભકામના પાઠવી હતી.
માર્ગ અને મકાન વિભાગના સ્ટાફ કવાર્ટર્સનું ઈ-લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી બજાર તથા અઠવાલાઈન્સ સરકારી વસાહત ખાતે માર્ગ અને મકાન વિભાગના સ્ટાફ કવાર્ટર્સનું ઈ-લોકાર્પણ કરાયું હતું, જેમાં નવસારી બજાર ખાતે રૂા.૪ કરોડના ખર્ચે વર્ગ-૪ના કર્મચારીઓ માટે કેટેગરી-એ ટાઈપના ૨૧ યુનિટના સ્ટાફ કવાર્ટર્સ નિર્માણ કરાયા છે, જ્યારે અઠવાલાઈન્સ સરકારી વસાહત ખાતે રૂા.૧૨.૮૧ કરોડના ખર્ચે વર્ગ-૨ના અધિકારીઓ માટે સ્ટાફ કવાર્ટર્સનું નિર્માણ તૈયાર કરાયા છે.
રોબોટિક લેબ્સ અંગે સંવાદ કર્યો
નવી શિક્ષણ નીતિ અનુસાર સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ કાર્યરત થઈ છે, જે અંગે સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રીને AI, કોડીંગ, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજી, AI બેઝ્ડ સ્માર્ટ એન્ડ ઈનોવેટિવ એજ્યુકેશન વિષે માહિતી આપી હતી. સુરત મનપાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

