વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં પતંગ ઉડાવતા બાળકનું કરંટ લાગતા મોત

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પતંગ ચગાવવાનું અત્યારથી શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકને કરંટ લાગ્યો હતો. 13 વર્ષના માસૂમને કરંટ લાગ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચોઃ સુરતમાં નવજાત બાળકીનું ત્યજી દેવાતા મોત, પક્ષીઓના કલબલાટથી દોડી લોકોને થઈ જાણ
બાળક દાઝી ગયું
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સચીન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. સચીન જીઆઈડીસીના ક્રિષ્ના નગરમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી લાગી જતાં ધડાકો થયો હતો. જેથી બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો.
પરિવારમાં શોક
હોસ્પિટલમાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જેથી પરીવાર શોકમાં મગ્ન થઈ ગયો હતો. સચીન જીઆઇડીસી પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હાલ ઉત્તરાયણનો સમય નજીક હોવાથી પતંગ ચગાવતા બાળકોને દરેક માતાપિતાએ સાવધ કરવા જોઈએ. તથા તેમને કેવી રીતે પતંગ ચગાવવી તેનું પણ માર્ગદર્શ આપવું જોઈએ તેમ લોકો કહી રહ્યાં છે.

