CA,CMAના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો, રત્નકલાકારનો દીકરો બન્યો CA,ઈન્ટરમિડિએટમાં AIR 10

દેશભરમાં સૌથી આકરી મનાતી પરીક્ષાઓમાં સીએ અને સીએમએની પરિક્ષાના પરિણામ જાહેર થયાં છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ઈન્ટરમીડિએટમાં ટોપ 50માં સુરતના 3 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. જેમાં સ્વયમ જૈનને ઓલ ઈન્ડિયામાં 10મો રેન્ક પ્રાપ્ત થયો છે. જ્યારે રત્નકલાકારનો દીકરો સીએ ફાઈનલમાં સુરત ફર્સ્ટ આવ્યો છે. જ્યારે સીએમએ ફાઉન્ડેશનની પરિક્ષામાં પણ સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
રત્નકલાકારનો દીકરો શહેરમાં પ્રથમ
સીએ ફાઈનલની પરિક્ષામાં શહેરમાં પ્રથમ ક્રમ મેળવનાર અક્ષિત લિંબાસિયાને 600માંથી 414 માર્ક પ્રાપ્ત થયા છે. મૂળ જામનગર જિલ્લાના જામવાળી ગામનો વતની એવો અક્ષિત રોજની 10 કલાક જેટલી મહેનત કરતો હતો. આજુબાજુમાં રહેતા અને કામ કરતાં સીએમાંથી પ્રેરણા લઈને અભ્યાસ કર્યો હતો. જામવાળી ગામમાંથી પ્રથમ સીએ થયેલા અક્ષિતના પિતા રત્નકલાકાર છે અને વલંજા ઉમરા વિસ્તારમાં સામાન્ય પરિસ્થિતિમાં રહે છે. ત્યારે અક્ષિતે કહ્યું કે, ખૂબ અઘરી પરીક્ષામાં જય છાવછરીયા જેવા માર્ગદર્શકોના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે.
ઈન્ટરમીડિએટમાં 10મો ક્રમ પ્રાપ્ત કર્યો
હોલસેલ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા સ્વયમ જૈનને સીએ ઈન્ટમીડિએટમાં 10મો ક્રમ દેશભરમાં પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. મૂળ રાજસ્થાનના રાજસમંદના વતની એવા સ્વયમના પિતા વર્ષોથી સુરતમાં રહે છે. સ્વયમનો મોટો ભાઈ પણ હાલ સીએનો અભ્યાસ કરી રહ્યો છે. જેનું પણ માર્ગદર્શન મળતું રહેતું હતું. ત્યારે સ્વયમે સફળતાને લઈને કહ્યું કે, હાર્ડવર્કની સાથે ડિસિપ્લિન અને કન્સીસ્ટન્સીથી અભ્યાસ કરતાં આ સફળતા પ્રાપ્ત થઈ છે. માતા-પિતા ગ્રેજ્યુએટ છે. તેઓ સતત પ્રોત્સાહન આપતાં હતાં. આગળ સીએ બનીને જોબ અથવા તો પિતાના ધંધામાં આગળ વધવાની ઈચ્છા છે.
વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી
સીએ રવિ છાવછરિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓનું આ વર્ષનું પરિણામ ખૂબ સારુ આવ્યું છે. નવા અભ્યાસક્રમ પ્રમાણે પ્રથમવાર પરિક્ષા લેવાઈ હતી. વિદ્યાર્થીઓ તેનો સમય અભ્યાસ સહિતની ઈત્તર પ્રવૃતિમાં વ્યસ્ત કરતાં હતાં. જો કે, સોશિયલ મીડિયામાં સમય બરબાદ કરવાની જગ્યાએ અભ્યાસમાં રત રહેતા વિદ્યાર્થીઓને સારું પરિણામ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

