BZ કૌભાંડ: ‘નાગરિકોનું અહિત કરતા લોકોને છોડવામાં નહીં આવે’ - હર્ષ સંઘવી, અલગ અલગ જિલ્લામાં નોંધાઈ ફરિયાદો

BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.
'કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે' - BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે જેમાં તેમને જણાવ્યું હતું કે, “BZ નામે ચાલતા જે પોન્ઝી સ્કીમ છે, કોઇ પણ પ્રકારે કોઈ પણ છૂટછાટ વગર કોઈપણ ફરિયાદ વગર આ પ્રકારે જાણકારી પોલીસને પ્રાપ્ત થઇ, ભૂપેન્દ્ર પટેલની સરકાર જ આ કામ કરી શકે છે. કોઈપણ વ્યક્તિ હોય કેવા પણ વ્યક્તિ હોય, રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર એના કૌભાંડને ધ્યાન પર આવતા CID ક્રાઇમ દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે. નાગરિકોનું અહિત કરતા હોઈ તેવા કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે.”
BZ કૌભાંડમાં સામેલ કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
જો કે આ મામલે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું છે કે, ‘BZ ગ્રુપના કૌભાંડમાં સામેલ કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈની ભલામણ પણ નહીં ચાલે. BZ પ્રકરણના શિક્ષકોની પણ સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સ્કીમમાં કોઈ શિક્ષણ જોડાયેલ હશે તો તેમને છોડવામાં નહીં આવે. શિક્ષક એન્જટ કે સભ્ય બન્યો હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસના અંતે શિક્ષણ વિભાગ પણ કાર્યવાહી કરશે. પોલીસ જેના નામો આપશે તેમની સામે કાર્યવાહી થશે.’
શિક્ષકોની સંડોવણી સમયે આવશે તો થશે કાર્યવાહી - જિલ્લા શિક્ષણાધિકારી
ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ સરકારી અધિકારીઓ, શિક્ષકો, પોલીસ અધિકારીઓ અને મોટામોટા બિઝનેસ ગ્રુપે રોકાણ કર્યાની આશંકા સેવાઈ રહી છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ કૌભાંડમાં મોટાભાગે શિક્ષકોએ રોકાણ કર્યું હતું. જો કે આ મામલે હજુ સુધી કોઈ રોકાણકાર સામે આવ્યો નથી. શિક્ષકોના રોકાણ અને એજન્ટની ભૂમિકા મામલે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમને કહ્યું છે કે, હજુ સુધી કોઈ શિક્ષકની ફરિયાદ સામે આવી નથી. શિક્ષક એજન્ટની ભૂમિકા ભજવતા હોવાનું સામે નથી આવ્યું. જો ફરિયાદ સામે આવશે તો તપાસ હાથ ધરાશે.’
અલગ અલગ જિલ્લાઓમાં BZ ગ્રુપ વિરુદ્ધ નોંધાઈ રહી છે ફરિયાદ
CID ક્રાઈમ દ્વારા BZ કૌભાંડના પર્દાફાશ બાદ આ પોન્ઝી સ્કીમમાં હજારો રોકાણકરો હવે છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેને લઈને BZ ગ્રુપ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરિયાદ નોંધાઈ રહી છે. અત્યારસુધીમાં bz ગ્રુપ અને ભુપેન્દ્રસિંહ ઝાલા સામે પાટણ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠામાં 4થી વધુ ફરિયાદ નોંધાઈ ચુકી છે. આવનાર સમયમાં આ કૌભાંડ મામલે વધુ ફરિયાદો નોંધવાની શક્યતાઓ છે જેને લઈને CID ક્રાઈમ સતર્ક બન્યું છે.
કપડવંજના રોકાણકારે નોંધાવી ફરિયાદ
BZ ગ્રુપની સ્કીમમાં મયુર દરજી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો. મયુર દરજીએ દર મહિને 3 ટકા વ્યાજ તથા વાર્ષિક અથવા ફીક્સ એફ.ડી પર વાર્ષિક 48 % તથા બે વર્ષ માટે રોકાણ કરો તો 120% જેટલુ ઉંચુ વળતર આપવાની લોભામણી લાલચો આપી કપડવંજના કમલેશભાઇ મનુભાઇ ચૌહાણ પાસેથી જૂન 2024માં રૂ.10,000 નું તથા મિનેષ પ્રજાપતિ પાસેથી 2 લાખનું રોકાણ કરવાયું હતું. જે બાદ આજ દિન સુધી રોકાણ અંગેનો એગ્રીમેન્ટ કે રોકાણ કરેલ નાણાં પરત આપ્યા નથી. જે અંગે ફરિયાદી કમલેશભાઇ મનુભાઇ ચૌહાણે BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા, એજન્ટ મયુર દરજી અને તેના મળતીયાઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરીદી હતી તે GROW MORE FAUNDATION ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જેને લઈને પણ હાલ તપાસ શરુ કરવામાં આવી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.

