સુરતમાં BRTSના કર્મચારીઓ પગાર સહિતની પડતર માગણીઓને લઈને ઉતર્યા હડતાળ પર

સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણી 7મી મેના રોજ યોજનાર છે. તે અગાઉ સુરતમાં આજે મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતાં. પગાર સહિતની પડતર માગણીઓને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતાં. કર્મચારીઓની હડતાળને લઈને મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
નિયત કરતાં ઓછો પગાર અપાય છે-કર્મચારી
સુરત મહાનગર પાલિકા સંચલિત બીઆરટીએસના કમૅચારીઓ પાલનપુર બસ ટર્મિનલ ખાતે હડતાળ પર ઉતર્યા છે. પગાર મુદ્દે કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે. 22,500 પગાર નક્કી કરાયો છે. જેની સામે 15,600 આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કર્મચારીઓએ કહ્યું કે, લાઈસન્સ વગર ડ્રાઇવરો દ્વારા બસ કાઢવામાં આવી રહી છે. જે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
અગાઉ પણ રજૂઆત કરાઈ હતી
હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ કહ્યું કે, અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલા રૂપિયામાંથી કટકી કરવામાં આવી રહી છે. આ સાથે ડબલ શિફ્ટ કરાવવામાં આવે તો તેના પણ પૂરતા પૈસા આપવામાં આવી રહ્યાં નથી. અગાઉ પણ અમે રજૂઆત કરી હતી. છતાં કોઈ નિરાકરણ ન આવતાં આ રીતે હડતાળ કરવાનો વખત આવ્યો છે.

