Surat news: આયકર ભવનના જર્જરિત બિલ્ડિંગનો વધુ એક સ્લેબ ધરાશાયી, જાણો, કર્મીઓએ શું કહ્યું?

સુરતમાં મજુરા ગેટ વિસ્તારમાં આવેલું આયકર ભવનનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે, ત્યારે આજે આયકર ભવનના પાંચમા માળનું સ્લેબ ધડાકાભેર ધરાશાયી થતાં બિલ્ડિંગમાં કામ કરતાં કર્મચારીઓ ડરીને બહાર આવી ગયા હતા. બિલ્ડિંગમાંથી સળિયા દેખાવા લાગ્યા છે અને અવારનવાર સ્લેબ પડી રહ્યા છે, ત્યારે તંત્ર આ બિલ્ડિંગનું સમારકામ કરાવે તેવી કર્મચારીઓની બુલંદ માંગ છે.
સુરતમાં સરકારી ઇમારતમાં સરકારના જ કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. આજે સવારે મજુરા ગેટમાં છ માળના આયકર ભવનના પાંચમા માળનું સ્લેબ ધડાકાભેર ધરાશાયી થતાં બિલ્ડિંગમાં કામ કરી રહેલા કર્મચારીઓ અને આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી. સ્લેબ પડવાનો અવાજ સાંભળતા જ કર્મીઓ ડરીને બહાર દોડી આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી આયકર ભવનનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જેથી 300થી વધુ કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. આ ઘટના અગાઉ પણ સ્લેબ પડવાના બનાવો બની ચૂક્યા છે. આ સાથે કર્મચારીઓના જણાવ્યા મુજબ જ્યાં સુધી તંત્ર સુરક્ષાની ખાતરી આપવામાં નહી આવે, ત્યાં સુધી અમે ફરી કામ પર જઈશું નહીં.

