VIDEO: સુરતમાં આખી રાત બચાવ કામગીરી
સુરતમાં ખાબકેલા ભારે વરસાદને કારણે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ગોડાદરામાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે અચાનક પાણીનો પ્રવાહ વધતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે સેંકડો પરિવારો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા હતા અને વહીવટી તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા.રાતના અંધકારમાં જ્યારે મુશ્કેલી વધી, ત્યારે સુરત પોલીસ અને NDRFની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. NDRFના જવાનો અને સ્થાનિક પોલીસ કર્મચારીઓએ ભારે પૂરના પાણી વચ્ચે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. ટોર્ચના અજવાળે અને લાઈફ જેકેટ-બોટની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી.આખી રાત ચાલેલા આ દિલધડક ઓપરેશનમાં કુલ 150 જેટલા લોકોને પૂરના પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે, જેમાં 50 માસૂમ બાળકો પણ સામેલ છે. પૂરના પાણીમાંથી હેમખેમ બહાર નીકળેલા લોકોએ પોલીસ અને NDRFના જવાનોનો આભાર માન્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી

