સુરત/ મંદીમાં રત્નકલાકારનું કારસ્તાન, સારી ક્વોલિટીની જગ્યાએ હલકી ગુણવતાના હીરા બદલી દોઢ લાખની કરી છેતરપિંડી

સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં એક રત્ન કલાકારે સિફ્તપૂર્વક બદલો માર્યો હતો. સારી ક્વોલિટીના ગુણવતાના હીરા બદલી દોઢ લાખથી વધુની છેતરપિંડી કરી હતી. સમગ્ર ઘટનામાં શંકા જતાં સીસીટીવીના આધારે હીરાનો બદલો મારનાર રત્નકલાકારને ઝડપી લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનાના સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રત્નકલાકાર દ્વારા કારખાનાના માલિકનો વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો. હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી. શંકાના આધારે કારીગર બીપીન શેલડીયા પર નજર રાખવામાં આવી હતી.
સીસીટીવીમા શંકાસ્પદ હિલચાલ જોવા મળતા હીરાનું વજન ચેક કરાયું હતું. વજન ઓછું આવતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં દોઢ લાખના હીરા બદલી લેવાયાની ફરિયાદ બીપીન શેલડીયા સામે નોંધાઇ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

