સાપુતારામાં MPની બસ અકસ્માતમાં વધુ એકનું મોત, 50 વર્ષીય મહિલાએ સુરત સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં ગતરોજ 35 ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકી હતી. જેમાં 5 મુસાફરોના મોત નીપજ્યા હતાં. જ્યારે 45 મુસાફરો ઘાયલ થતા 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં જ્યારે 24 મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં ખસેડાયા હતાં. જેમાંથી એક 50 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બસ ખીણમાં ખાબકી હતી
સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં 50 લોકો સવાર હતા. ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આજ રોજ સવારે ઘાટમાં એક અકસ્માતની ઘટના બની છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાંથી 4 બસ ધાર્મિક પ્રવાસે નીકળી હતી. જેમાંથી એક બસ ખીણમાં ખાબકી હતી. ટેકનીકલ કારણસર બસ ખીણમાં ખાબકી હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાના થોડાં સમય પહેલાં જ બસ ચા-નાસ્તા માટે નજીકમાં જ રોકાઇ હતી.
શોકની લાગણી ફેલાઈ
અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ સીધી 35 ફૂટ ઊંડી ખીણમાં જઈને પડી હતી, જેથી બસનું પડીકું વળી ગયું હતું. આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

