VIDEO: મહારાષ્ટ્રના હથનૂર ડેમના 41 દરવાજા ખોલાયા, તાપી નદી બે કાંઠે! ઉકાઈ ડેમમાં પાણીની મબલખ આવક
ગુજરાત અને મહારાષ્ટ્રમાં જામી પડેલા મેઘ મહેર વચ્ચે તાપી જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ઉપરવાસના જળાશયોમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના ડેમોમાંથી છોડાયું લાખો ક્યુસેક પાણી
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર સ્થિત હથનૂર ડેમના 41 દરવાજા ખોલીને અંદાજે 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. આ ઉપરાંત, પ્રકાશા ડેમના પણ 4 દરવાજા પૂરેપૂરા અને 19 દરવાજા અડધા ખોલીને પાણી નદીમાં વહાવવામાં આવી રહ્યું છે. ઉપરવાસના આ બંને મુખ્ય જળાશયોમાંથી છોડાયેલું પાણી સીધું તાપી નદી મારફતે ઉકાઈ ડેમમાં પ્રવેશી રહ્યું છે.
ઉકાઈ ડેમમાં 4.77 લાખ ક્યુસેક આવક, જળસપાટી વધી
ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની ભયાનક આવકના કારણે ઉકાઈ ડેમમાં હાલ 4,77,160 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આ ભારે આવકના પગલે ઉકાઈ ડેમની વર્તમાન જળસપાટી વધીને 321.91 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાં પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો હોવાથી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાની સાથે સતર્કતા પણ વધારી દેવામાં આવી છે.
તંત્ર એલર્ટ મોડ પર
ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેતાં આગામી દિવસોમાં પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક હજુ વધે તેવી પ્રબળ શક્યતા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને સિંચાઈ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડેમની જળસપાટી અને પાણીની આવક-જાવક પર ચોવીસે કલાક કડક નજર રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ અથવા પાણી છોડવા અંગેના નિર્ણયો લેવામાં આવશે.

