એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હાઇકોર્ટમાં સુઓમોટો, 2 વર્ષમાં 184 સિંહના મોત મામલે રેલ વિભાગ પાસે માંગ્યો જવાબ

એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઇ છે. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સિંહોના મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રેન નીચે આવી જવાથી સિંહોના મોત મામલે હાઇકોર્ટે રેલ વિભાગ સામે લાલ આંખ કરી છે.
ગુજરાત હાઇકોર્ટે રેલ વિભાગને કહ્યું કે સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે શું વિચાર કરી રહ્યાં છો, સોગંદનામુ દાખલ કરો. એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો જોવા મળે છે, હાલની પ્રવૃતિ જેમના જીવ માટે જોખમી હોવાની કોર્ટ મિત્રની રજૂઆત છે. મહત્ત્વપૂર્ણ છે કે છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત થયા છે જેમાં 32 સિંહના આકસ્મિક મોત થયા હોવાનો રિપોર્ટ છે. સિંહોના મોત અટકાવવા માટે રેલ્વે ઓથોરિટીએ શું પગલાં લીધા અને શું કામગીરી કરશે તે સહિતના મુદ્દે પણ ખુલાસો કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી એપ્રિલ મહિનામાં હાથ ધરાશે.
ગીર જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે થયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સિંહોના મોત મામલે ગંભીર નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ રેલ્વે સત્તાવાળાઓની ઝાટકણી પણ કાઢી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે સિંહોના મોત સહિતના વિવિધ મુદ્દા પર રેલ્વે સત્તાવાળાઓને ખુલાસો કરવા અને આ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી એપ્રિલમાં રાખી છે.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રેલ્વે ઓથોરીટીને કેટલાક વેધક સવાલ કરતાં જણાવ્યું કે, ગીર અભયારણ્ય ક્ષેત્રમાં ટ્રેન નીચે આવી જતાં સિંહોના અને બાળ સિંહના અવાર નવાર મોતની ઘટનાઓ સામે આવતી હોય છે તો ટ્રેનની સ્પીડ પર નિયંત્રણ લાદવાનું તમારી પાસે અન્ય કોઇ મીકેનીઝમ છે..? તો રેલ્વે ટ્રેકની આસપાસ ફેન્સીંગ અને સિંહોની સુરક્ષા માટેનું તમારૂં શું આયોજન છે?
2 વર્ષમાં 184 સિંહના થયા મોત
આ કેસ સંદર્ભે હાઇકોર્ટની પૃચ્છા દરમિયાન કોર્ટ સહાયક હેમાંગ શાહે જણાવ્યું હતું કે આખા એશિયામાં ગુજરાતમાં જ સિંહ જોવા મળે છે. જ્યારે દુનિયામાં સાઉથ આફ્રિકામાં સિંહો છે. છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત થયા હતા જેમાંથી 32 સિંહોના આકસ્મિક મોત થયા હતા. અગાઉ ગીર અભયારણ્ય ક્ષેત્રમાં ખુલ્લા કુવાઓમાં પડી જવાના કારણે, ખેડૂતો ખેતર ફરતે ઇલેક્ટ્રીક ફેન્સીંગ કરતા હોવાથી, રેલ્વે ટ્રેક પર કપાઇ જવાથી તેમ જ સિંહોમાં વાયરસના કારણે પાછલા વર્ષોમાં સિંહોના નીપજેલા મોતને લઇ હાઇકોર્ટે આ સુઓમોટો પીઆઇએલનો વ્યાપ વિસ્તાર્યો છે. કારણ કે, આ બહુ સંવેદનશીલ અને મહત્ત્વનો મુદ્દો છે.

