VIDEO: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન!
ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ માટે સાર્વત્રિક વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં શેયર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્ક લો પ્રેશર અને સીઝનલ ટ્રફ એમ પાંચ શક્તિશાળી સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ચોમાસું વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. આ સિસ્ટમની અસરને પગલે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં અતિભારે વરસાદ પડશે, જ્યારે સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. વરસાદની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા અને ગાજવીજ સાથે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. દરિયામાં ભયાનક કરંટ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને બંદરો પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ, અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગની આ આગાહી અને ચેતવણીઓને પગલે તમામ જિલ્લાઓનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

