Video: હિંમતનગરમાં ગાંધી ટોપી પહેરી હજારો ખેડૂતોનો એક જ સૂર, 'હૂડા' નો અમલ તો નહીં જ થવા દઈએ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી 'હૂડા' નો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે હવે આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે વરસતા વરસાદ વચ્ચે હિંમતનગરના અનેક ગામડાઓના હજારો ખેડૂતોએ હૂડાનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોએ ગાંધી ટોપી પહેરી કર્યો વિરોધ
હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશન વિરુદ્ધ ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે. હૂડા આવવાથી ખેડૂતોને પોતાની જમીન ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે. જેથી આ નોટિફિકેશન રદ કરવા માટે ખેડૂતો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આજે હજારો ખેડૂતો એકઠા થતા હિંમતનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ખેડૂતોએ ગાંધી ટોપી પહેરી 'હૂડા હટાવો જમીન બચાવો' નું સૂત્ર આપ્યું છે. આ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ધોધમાર વરસાદ વચ્ચે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા.

