VIDEO : સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, પશુપાલકોના હિતમાં લીધો મોટો નિર્ણય
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સાબરડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં વધારો જાહેરકરવામાં આવ્યો છે. આગામી 1 જૂન, 2026થી પ્રતિ કિલો ફેટ દીઠ 15 રૂપિયાનો વધારો અમલમાં આવશે. દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 850 રૂપિયા મળતા હતા, જે હવે વધીને રૂ.865 મળશે.
સાબરડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં વધારો જાહેર
સાબરડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લગભગ સાડા ત્રણ લાખ જેટલા નાના-મોટા પશુપાલકોને તેનો સીધો આર્થિક લાભ થશે. સાબરડેરી નિયામક મંડળ દ્વારા પશુપાલકોને આર્થિક સશક્તિકરણ, પશુપાલન વ્યવસાય વધુ પોષણક્ષમ બને અને દૂધ ઉત્પાદકોને યોગ્ય વળતર મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દૂધના ભાવમાં વધારાની જાહેરાત બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો અને પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, ત્યારે પશુપાલકોનું કહેવું છે કે આ નિર્ણયથી તેમને આર્થિક રીતે મોટી રાહત મળશે.
સાબરડેરી નિયામક મંડળની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયામક મંડળે જણાવ્યું કે, દૂધના ખરીદ ભાવમાં વધારાથી પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને સાબરડેરી દ્વારા દર મહિને અંદાજે રૂપિયા 10 કરોડથી વધુ રકમની વધારાની ચૂકવણી કરવામાં આવશે. તેમજ આગામી 30 જૂન પહેલા દૂધના ભાવફેર એટલે કે બોનસની ચૂકવણીને લઈને કરવામાં આવેલી પશુપાલકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ડેરી તંત્ર દ્વારા ગત વર્ષની તુલનાએ આ વર્ષે વધુ ભાવફેર ચૂકવવાની ખાતરી આપી હોવાનું જણાય છે.

