Sabarkantha: ધરોઈ ડેમ 80 ટકા ભરાયો, 800થી વધુ ગામોને રાહત, નીચાણવાળા વિસ્તારોણે કરાયા સાવચેત
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલું ધરોઈ જળાશય 80% સુધી ભરાઈ ગયું છે, જે ઉત્તર ગુજરાતના 800થી વધુ ગામડાઓ અને 40થી વધુ શહેરો માટે પાણીની સમસ્યા દૂર કરવાની આશા જગાવે છે. હાલમાં જળાશયની સપાટી 618 ફૂટે પહોંચી છે, જે 622 ફૂટની ઓવરફ્લો મર્યાદા નજીક છે.
વરસાદથી વધી પાણીની આવક
ધરોઈ જળાશયમાં દરરોજ 46,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે આગામી 3થી 4 કલાકમાં જળાશયના દરવાજા ખોલવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
નીચાણવાળા વિસ્તારો માટે સાવચેતી
જળાશયના દરવાજા ખુલવાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું જોખમ રહે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા આ વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. રાહત કાર્યો અને સલામતીના પગલાં લેવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે, કારણ કે પાણીની અછતથી પીડિત વિસ્તારોમાં હવે ખેતી માટે પાણીની સુવિધા મળશે.

