સાબરકાંઠા / આચારસંહિતા હોવા છતાં ડેમેજ કોન્ટ્રોલમાં ભાજપ ભૂલ્યું ભાન? કોંગ્રેસે લાગવ્યો આરોપ

સાબરકાંઠા / સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલાયા બાદ પણ ભાજપ કાર્યકરોનો વિરોધ યથાવત છે. જેને લઈને ભાજપ સંગઠનના હોદેદારો અને સહકારી આગેવાનો સાથે એક બાદ એક બેઠકો કરી રહી છે. જો કે આ વિરોધ હજુ શાંત થયો નથી. ભાજપના કાર્યકરોને એક જ માંગ છે છે આયાતી ઉમેદવારની ટિકિટ રદ કરી ભાજપના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા એકઠા થયા છે.
સમગ્ર મામલે પ્રદેશ ભાજપ દ્વારા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ડેમેજ કન્ટ્રોલ માટે હિંમતનગર મોકલવામાં આવ્યા છે. ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હાલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે બેઠક ચાલી રહી છે. સાબરકાંઠામાં ડેમેજ કંટ્રોલની આ કવાયતથી ભાજપના કાર્યકરોને અજાણ રખાયા છે. રેખાબા ઝાલા, કૌશલ્યા કુંવરબા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા સાથે હર્ષ સંઘવી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે. વન ટુ વન બેઠકમાં અરવલ્લી જિલ્લાના ભાજપના હોદ્દેદારોને પણ બોલાવાયા છે. આ બેઠકમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પહેલા જાહેર કરેલ ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ બેઠકમાં પહોચ્યા છે. અન્ન પુરવઠા મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર અને ભિલોડા ભાજપ ધારાસભ્ય પી.સી.બરંડા આ મિટિંગમાં હાજર છે.
જો કે આ મુદ્દે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગી નેતા કમલેશ પટેલ દ્વારા ભાજપ પર આચારસંહિતાનો ભંગનો આરોપ લગાવ્યો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના સરકારી નિવાસ સ્થાને ભાજપે બેઠક યોજી છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે મોટા નેતાઓ હાજર છે. ચુંટણીની કામગીરીમાં ભાજપે સરકારી આવાસનો ઉપયોગ થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. આરોપ લગાવતા તેમને કહ્યું હતું કે, “નિષ્પક્ષ ચૂંટણીની વાતો કરતું ચૂંટણી તંત્ર પણ ભાજપના ખોળામાં બેસી ગયું હોય છે”. ચુંટણીમાં ભાજપ સરકારી તંત્રનો ઉપયોગ કરતું હોવાના આરોપને લઈ રાજકારણ ગરમાયુ છે.
સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે આયાતી ઉમેદવાર મુદ્દે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ભાજપના હોદેદારો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ આગમી દિવસોમાં બેઠક કરી શકે છે.

