સાબરકાંઠા વિવાદ મામલે મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ, કોકડું ઉકેલવા CMએ આપ્યા આ આદેશ!

સાબરકાંઠા / સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલ્યા બાદ પણ જિલ્લામાં ભાજપ કાર્યકરોનો વિરોધ યથાવત છે. જેને લઈને ભાજપ સંગઠનના હોદેદારો અને સહકારી આગેવાનો સાથે એક બાદ એક બેઠકો કરી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લાના ક્લસ્ટર પ્રભારીઓથી માંડીને કેબિનેટ મંત્રીને આ મામલે ડેમેજ કંટ્રોલ માટે ઉતારી દેવાયા છે. જો કે સાંબરકાંઠા-અરવલ્લી બેઠક પર ભાજપે ઉતારેલા લોકસભાના ઉમેદવારને લઈને જિલ્લા ભાજપની અંદર જ ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરો અને નારાજ નેતાઓની એક જ માંગ છે કે આયાતી ઉમેદવારની ટિકિટ રદ કરી ભાજપના કાર્યકરને ટિકિટ આપવામાં આવે.
મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષે જિલ્લાના નેતાનો લીધો ક્લાસ
ભાજપના કાર્યકરો અને નારાજ નેતાઓનો વિરોધને ડામવા માટે આજે (30 માર્ચ 2024) ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મિટિંગનો દોર ચાલ્યો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહીતના દિગ્ગજ નેતાઓ સામેલ છે. સૂત્રો દ્વારા જાણકરી મળી છે કે, “મુખ્યમંત્રી નિવાસસ્થાને 3.30 કલાક સુધી સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારોને સાંભળવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં દરેક સાથે વન ટુ વન બેઠક કરવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ડેમેજ કન્ટ્રોલની સાથે સાથે વિરોધમાં પડદા પાછળની ભૂમિકા ભજવનાર સંગઠનના લોકો અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ તમામને સૂચના આપવામાં આવી છે કે, મીડિયામાં કે જાહેર જગ્યાએ કઈ બોલવું નહીં, પક્ષ પોતાનો નિર્ણય કરશે.”
ગઈકાલે ગૃહ રાજ્યમંત્રીએ જિલ્લામાં કરી હતી બેઠક
સમગ્ર મામલે પ્રદેશ ભાજપ દ્વારા આજે (29 માર્ચ 2024) ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ડેમેજ કન્ટ્રોલ માટે હિંમતનગર મોકલવામાં આવ્યા હતા. ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હાલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં રેખાબા ઝાલા, કૌશલ્યા કુંવરબા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા સાથે હર્ષ સંઘવી સાથે બંધ બારણે બેઠક કરી હતી. વન ટુ વન બેઠકમાં અરવલ્લી જિલ્લાના ભાજપના હોદ્દેદારોને પણ બોલાવાયા હતા. આ બેઠકમાં પહેલા જાહેર કરેલ ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ બેઠકમાં પહોચ્યા હતા. અન્ન પુરવઠા મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર અને ભિલોડા ભાજપ ધારાસભ્ય પી.સી.બરંડા આ મિટિંગમાં હાજર હતા. આ બેઠક બાદ જસાબરકાંઠા- અરવલ્લી જિલ્લા ભાજપના સંગઠનના પદાધિકારીઓ અને ધારાસભ્યોની મિટિંગ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ગોઠવવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું.

