Sabarkantha news: વાદળછાયા વાતાવરણમાં રવી પાકમાં રોગચાળાથી સાબરકાંઠાના ખેડૂતોનો પાક બરબાદ થવાની તૈયારીમાં

Sabarkantha news: સાબરકાંઠા જિલ્લાની. જ્યાં કમોસમી વરસાદના કારણે ખરીફ પાક ગુમાવ્યા બાદ, ખેડૂતોએ હિંમત ભેગી કરીને મોંઘા ખર્ચે રવી પાક વાવ્યા. પરંતુ આ વખતે કુદરત નહીં પણ કુદરતનું બદલાયેલું મિજાજ વિલન બન્યો છે. ઠંડી ગાયબ છે અને વાદળછાયા વાતાવરણના કારણે બટાકા, ઘઉં, રાયડો અને શાકભાજીના પાક પર મોટો રોગચાળો ફાટી નીકળ્યો છે. લાખ્ખો રૂપિયાનું રોકાણ કરેલો ઉગતો પાક બરબાદ થવાની અણી પર છે. ખેડૂતોની હાલત આજે 'કૂવામાંથી નીકળીને ખાડામાં પડવા' જેવી થઈ છે.
સાબરકાંઠાના ખેતરોમાં આજે નિરાશાનું વાતાવરણ છે. ચોમાસામાં કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાંથી ખરીફ પાક છીનવી લીધો અને તેમને વ્યાપક નુકસાન પહોંચાડ્યું. પરંતુ હિંમત ન હારતા, જિલ્લાના ખેડૂતોએ ફરી એકવાર ઊભા થવાનો નિર્ણય લીધો. તેમણે તાત્કાલિક 1.13 લાખ હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકોનું વાવેતર કર્યું, જેમાં મુખ્યત્વે બટાકા, ઘઉં, ચણા, રાયડો અને વિવિધ શાકભાજી પાકોનો સમાવેશ થાય છે. આ પાકો વાવવા પાછળ ખેડૂતોએ પ્રતિ વિઘા રૂપિયા 30થી 35 હજારનો માતબર ખર્ચ કર્યો છે. આ બધું રોકાણ તેમણે આ આશા સાથે કર્યું હતું કે આ રવિ સિઝન કદાચ તેમનું ખરીફનું નુકસાન સરભર કરી આપશે. પરંતુ હવે જ્યારે પાક ઉગીને તૈયાર થવાના આરે છે, ત્યારે આખી મહેનત અને મૂડી પર મોટું સંકટ ઊભું થયું છે. કુદરત જાણે આ વખતે ખેડૂતોથી સતત રૂઠી રહી હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
આ સમસ્યાનું મૂળ છે પ્રકૃતિનો અસંતુલિત વ્યવહાર અને વાતાવરણમાં આવેલા અણધાર્યા ફેરફારો. રવી પાક માટે જે ભરપૂર ઠંડી પડવી જોઈએ, તે ઠંડી પડી રહી નથી. તેની સામે, છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં સતત વાદળછાયું વાતાવરણ છવાયેલું રહે છે. આ જ ગરમ અને ભેજવાળી પરિસ્થિતિએ પાક પર રોગચાળાને ફેલાવવા માટેનું ખુલ્લું મેદાન આપી દીધું છે. આજે ખેતરોમાં મોલો, મસી, કારીયો, ચૂસિયો સહિતના રોગોનો એટલો મોટો ઉપદ્રવ થયો છે કે પાક પીળો પડી ગયો છે અને સુકાવા લાગ્યો છે. એક તરફ ખેડૂતોએ વાવણીમાં મોટો ખર્ચ કર્યો, અને હવે પાકને બચાવવા માટે મોંઘી દવાઓ અને છંટકાવ પાછળ તેમને બીજો બેવડો ખર્ચ કરવો પડી રહ્યો છે. તેમ છતાં, રોગચાળો કાબૂમાં આવતો નથી અને ઉગેલા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
એક તરફ, ખરીફ પાકના નુકસાન બાદ સરકારે જે પેકેજ જાહેર કર્યું, તે રાહત હજી સુધી ખેડૂતોના ખાતામાં પહોંચી નથી. અને બીજી તરફ, રવિ પાકમાં રોગચાળાના મારથી ખેતી નિષ્ફળ જાય તેવી ભીતિ વચ્ચે ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે.

