હિંમતનગર: ગાંભોઈના રાજપુરામાં કાચા મકાનની દિવાલ ધરાશાયી, માતા અને બાળકનું મોત

ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના વિવિધ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસ્યો છે, હિંમતનગર તાલુકામાં પણ એક ઈંચ વરસાદ વરસ્યો છે. તાલુકાના વિવિધ ગામોમાં પણ મેઘ મહેર થઈ છે. હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના રાજપુરમાં ભારે વરસાદથી કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.
માતા અને તેના ચાર વર્ષના બાળકનું આ દુર્ઘટનામાં મોત
મકાનમાં સુતેલી માતા અને તેના ચાર વર્ષના બાળકનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. રાત્રે અચાનક આ દિવાલ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ પહોંચી હતી.

માતા અને પુત્રનું અચાનક મોત થતા પરિવારમાં આક્રંદનો માહોલ
બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી કરી હતી.માતા અને પુત્રનું અચાનક મોત થતા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો.
ખંભાળિયામાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનામાં ત્રણ મોત
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) સ્થિત એક જૂના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ રવિવારે સાંજે જમીનદોસ્ત થઈ જતા એક પરિવારના 11 લોકો દટાયા હતા. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 7 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ લોકોને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

