Video: Rajkot માં કરોડોની રેન્જ રોવર કારને ખેંચી બળદોએ! ગ્રાહકે અપનાવ્યો વિરોધનો અનોખો રસ્તો
રાજકોટમાં સર્વિસ પ્રત્યેની બેદરકારી અને ગ્રાહક સેવાના અભાવ સામે એક અનોખો વિરોધ જોવા મળ્યો છે. અહીં દોઢ વર્ષ પહેલાં રૂ. 2 કરોડ 10 લાખની મોંઘીદાટ રેન્જ રોવર કાર ખરીદનાર માલિકને વારંવાર ફરિયાદ કરવા છતાં સર્વિસ અને રિપેરિંગ ન મળતાં તેમણે વિરોધની અનોખી રીત અપનાવી હતી.
બળદગાડાની જેમ કાર ખેંચીને શો-રૂમમાં પહોંચ્યા
કાર માલિક વસીમ ખોખરે તેમની કરોડોની કારને સર્વિસ ન મળતા કંટાળીને અસામાન્ય પગલું ભર્યું હતું. તેમણે પોતાની રેન્જ રોવર કારને પાછળના ભાગે બળદ બાંધીને શો-રૂમ સુધી ખેંચાવી હતી અને ત્યાં જઈ વિરોધ નોંધાવ્યો હતો.
કાર માલિક વસીમ ખોખરના જણાવ્યા અનુસાર, તેમણે દોઢ વર્ષ પહેલાં આ લક્ઝરી કાર ખરીદી હતી, પરંતુ કારમાં અનેક કંપની ફોલ્ટ છે. આ ફોલ્ટ અંગે કંપનીને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેમના પ્રશ્નોનું સમાધાન થતું નથી.
ફોલ્ટ અંગે લેખિત બાંહેધરીની માંગ
વસીમ ખોખરે માંગ કરી છે કે કંપની કારમાં રહેલા તમામ ફોલ્ટ અંગેની લેખિતમાં બાંહેધરી આપે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગ્રાહક તરીકે લાખો-કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ પણ તેમને યોગ્ય સર્વિસ અને સન્માન મળતું નથી. મોંઘીદાટ લક્ઝરી કારને બળદ દ્વારા ખેંચીને શો-રૂમમાં લાવવાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

