VIDEO: રાજકોટમાં ગરમાયું રાજકારણ! મહિલા અનામત બિલ મુદ્દે પ્રગતિ આહીરના ભાજપ સામે આકરા પ્રહારો
VIDEO: રાજકોટ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ સેવાદળ ગુજરાતના અધ્યક્ષ પ્રગતિ આહીરે મહિલા અનામત બિલ મુદ્દે કેન્દ્ર સરકારની મનશા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર મહિલા સશક્તિકરણના બહાને માત્ર રાજકીય રોટલા શેકી રહી છે.
કોંગ્રેસનો ઈતિહાસ અને ભાજપની નીતિ
પ્રગતિ આહીરે ભારપૂર્વક જણાવ્યું કે, દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન (ઈન્દિરા ગાંધી) અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ (પ્રતિભા પાટીલ) આપવાનું ગૌરવ કોંગ્રેસ પક્ષને ફાળે જાય છે. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધી હંમેશા ઈચ્છતા હતા કે મહિલાઓ અને ખેડૂતોને સમાજમાં યોગ્ય સન્માન અને ભાગીદારી મળે. પરંતુ વર્તમાન ભાજપ સરકાર બહેનોના સપના સાકાર કરવાને બદલે તેને તોડવાનું કામ કરી રહી છે.
બિલ લાગુ કરવામાં વિલંબ કેમ?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે તીખો સવાલ કર્યો હતો કે, જો 2023માં બિલ પાસ કરવામાં આવ્યું તો 2024ની ચૂંટણી સુધીમાં તેને લાગુ કેમ ન કરવામાં આવ્યું? તેમણે આક્ષેપ કર્યો કે તમિલનાડુ અને બંગાળ જેવી રાજ્યોની ચૂંટણીઓમાં રાજકીય ફાયદો લેવા માટે જ આ બિલને વિલંબમાં મૂકવામાં આવ્યું છે. મહિલા અનામતના નામે સીમાંકનની પ્રક્રિયા હાથ ધરીને ભાજપ પોતાની સત્તા ટકાવવા માટેની ગણતરીઓ કરી રહી છે.
ભાજપના ભાષણો પર કટાક્ષ
પ્રગતિ આહીરે કટાક્ષ કરતા કહ્યું કે, "કોંગ્રેસ, મુસ્લિમ અને પાકિસ્તાન" આ ત્રણ શબ્દો વિના ભાજપ એક પણ મુદ્દા પર ભાષણ આપી શકતી નથી. વિકાસ અને મહિલા સુરક્ષાના વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરવાને બદલે ભાજપ હંમેશા અન્ય મુદ્દાઓ તરફ ધ્યાન ભટકાવે છે. જો સરકાર ખરેખર મહિલાઓને અનામત આપવા માંગતી હોય, તો સીમાંકનના બહાના છોડીને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવી જોઈએ, જેમાં કોંગ્રેસ સંપૂર્ણ ટેકો આપવા તૈયાર છે

