Video/ Rajkot માં પરિવારને બેસાડી ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો 100 ફૂટ ઊંચે લટકતા રહ્યા
રાજકોટના અટલ સરોવર ખાતે રાઇડ્સ ઓપરેટરની ગંભીર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે એક મોટી દુર્ઘટના થતા માંડ ટળી છે. ચકડોળમાં બેઠેલા એક જ પરિવારના પાંચ સભ્યો લગભગ 100 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગયા હતા, કારણ કે રાઇડ્સ ઓપરેટર ચકડોળ બંધ કરીને ત્યાંથી જતો રહ્યો હતો.
100 ફૂટ ઊંચે ફસાયો પરિવાર
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક પરિવારના પાંચ સભ્યો અટલ સરોવર ખાતે ચકડોળમાં બેઠા હતા. રાઇડ ચાલુ હોય તે દરમિયાન જ ઓપરેટર પોતાની ફરજ પરથી ગેરહાજર થઈ ગયો અને ચકડોળને ઊંચાઈએ અધવચ્ચે જ બંધ કરી દીધું હતું. આના કારણે પરિવારના સભ્યો લગભગ 100 ફૂટની ઊંચાઈએ ચકડોળમાં ફસાઈ જતાં ભયનો માહોલ સર્જાયો હતો.
પરિવારે તાત્કાલિક ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરી હતી, જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઓપરેટરને કાઢી મૂકીને સંતોષ
ઘટના બાદ સિક્યુરિટી ગાર્ડે ઓપરેટરનો સંપર્ક કર્યો અને તેને તાત્કાલિક પરત બોલાવ્યો હતો. ઓપરેટર પરત આવતા તેણે ચકડોળ ચાલુ કરીને પરિવારને હેમખેમ નીચે ઉતાર્યો હતો, અને તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
જોકે, અટલ સરોવરના કોન્ટ્રાકટરે માત્ર બેદરકાર ઓપરેટરને નોકરીમાંથી કાઢી મૂકીને સંતોષ માની લીધો છે. આ ઘટનાએ અટલ સરોવર ખાતેની રાઇડ્સની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તો તેની જવાબદારી કોની હોત?
આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ કોન્ટ્રાકટરે સુરક્ષાના ધોરણોને ગંભીરતાથી લેવા જરૂરી છે.

