VIDEO: રાજકોટ બાળ ગૃહમાંથી ૧૧ બાળકો ફરાર: ૮ ઝડપાયા
રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી રવિવારે સવારે એક સાથે ૧૧ બાળકો લોખંડની ગ્રિલ તોડીને ફરાર થઈ જતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને સઘન શોધખોળ શરૂ કરી હતી. પોલીસની અલગઅલગ ટીમોના સંયુક્ત પ્રયાસોને કારણે અત્યાર સુધીમાં ફરાર થયેલા કુલ 11 બાળકોમાંથી 8 બાળકોને સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બાકી બચેલા અન્ય ત્રણ બાળકોને શોધી કાઢવા માટે હજુ પણ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાયદાના સંઘર્ષમાં આવેલા આશરે 54 જેટલા બાળકોને સુરક્ષા અને સંવર્ધન માટે આ બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે બાળ ગૃહની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે અને તંત્ર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

