RAJKOT: રાજકોટ / ઓનલાઇન દવાના વેચાણ સામે મેડિકલ સ્ટોર સંચાલકોનો આક્રમક વિરોધ
સોર્સ : gstv
રાજકોટ શહેર અને જિલ્લામાં આજે ઓનલાઇન દવાના વેચાણ સામે મેડિકલ સ્ટોર સંચાલકોએ આક્રમક વિરોધ નોંધાવતા હડતાળ પાડી છે. આ હડતાળમાં સૌરાષ્ટ્રના 6000 અને રાજકોટ જિલ્લાના 1400 જેટલા નાના મોટા મેડિકલ સ્ટોર્સ જોડાયા છે, જેના કારણે બજારોમાં દવાની દુકાનોના પાટિયા બંધ જોવા મળી રહ્યા છે. કેમિસ્ટ એસોસિએશનનો મુખ્ય વિરોધ ઓનલાઇન વેચાણમાં અપાતા તોતિંગ ડિસ્કાઉન્ટ અને ડુપ્લીકેટ દવાઓના જોખમ સામે છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોરના ધંધા ચોપટ થઈ રહ્યા છે. જોકે, દર્દીઓની સુવિધા માટે રાજકોટમાં અલગ-અલગ 15 જેટલા નિર્ધારિત સ્થળો પર દવાનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું છે. વેપારીઓનો આક્ષેપ છે કે ઓનલાઇન સસ્તી દવાઓના બહાને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને સ્થાનિક રોજગાર ખતમ થઈ રહ્યો છે.

