Rajkot news: થોરાળા ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા 20 હજાર સ્થાનિકોના આરોગ્ય પર તોળાતો ખતરો

વીરપુર પંથકમાં પ્રદુષણ માફીયાઓ બેફામ બન્યા છે. જેતપુરની ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડ્યાની ઘટનાઓ છાસવારે સામે આવે છે, ત્યારે હવે પ્રદુષણ માફીયાઓએ યાત્રાધામ વીરપુર પાસેના નાની સિંચાઈ યોજનાનો સરિયામતી નદી પરના થોરાળા ડેમને પણ કેમિકલ યુક્ત પાણીથી બાકાત રાખ્યું નથી. જેને લઈને વિરપુર ગામના ખેડૂતોમાં તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગામ લોકોમાં રોષની લાગણી
વીરપુર અને પીઠડીયા ગામને પીવાનું પાણી પૂરું પાડતાં અને ગામના જીવાદોરી સમાન એવો સરિયામતી નદીના થોરાળા ડેમમાં અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખી ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે. જેના પગલે ખેડૂતો તેમજ ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ડેમ પ્રદૂષિત થતાં ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન
વીરપુર ગામની જીવાદોરી સમાન સરિયામતી ડેમમાંથી વિરપુર, પીઠડીયા તેમજ થોરાળા ગામના અંદાજિત 20 હજાર જેટલા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ વીરપુર સહિત ચારથી પાંચ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે, ડેમ પ્રદૂષિત થતાં ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, સાથે વિરપુર સહિતના ત્રણ ગામના લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાના આક્ષેપો વિરપુરના ગામ લોકોએ તેમજ ખેડૂતોએ કર્યા હતા તેમજ થોરાળા ડેમને પ્રદૂષિત કરનાર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

