માફી માંગ્યા બાદ વિરોધ યથાવત : રાજકોટ-મોરબીમાં પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ ચોતરફ વિવાદનો સૂર ઉઠ્યો હતો. શુક્રવારે ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં પરશોત્તમ રૂપાલા ફરી માફી માગી હતી. માફી માંગ્યા બાદ પણ વિવાદ શાંત થયો નથી. ઠેર-ઠેર વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને રાજકોટ, મોરબીમાં પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામા આવ્યું છે.
રૂપાલાના પૂતળાનું દહન કરી ચપ્પલ પણ મારવામાં આવ્યા
રાજકોટમાં રેલ નગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરી પૂતળાને ચપ્પલ પણ મારવામાં આવ્યા હતા. ત્યારે કરણી સેનાના સોશ્યલ મીડિયા અધ્યક્ષ હિતુભા જાડેજાએ નિવેદન આપતા જણાવ્યુ કે પરશોત્તમ રૂપાલાનું દરેક સભામાં વિરોધ કરવામાં આવશે. રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં પૂતળા દહન, પોસ્ટરો લગાવવામાં આવશે અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ બોલાવવામાં આવશે.
એક જ માગ રૂપાલાની ટિકિટ રદ કરો
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં કરણી સેના દ્વારા પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામા આવ્યું હતું. તેમજ કરણી સેનાએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી. જો ટિકિટ રદ્દ નહીં કરવામા આવે તો તેના પરિણામો ભાજપને ભોગવા પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
શું હતો સમગ્ર વિવાદ?
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા હતા. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.
રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.’

