ગોંડલ: સહજાનંદ નગરના ગરબીચોકમાં મકાન ધરાશાયી, ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા

રાજ્યના ગોંડલના સહજાનંદ નગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સહજાનંદ નગરમાં ગરબીચોકમાં આવેલું મકાન અચાનાક ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકો દબાયા હોવાની માહિતી મળી હતી.

મળતા અહેવાલ પ્રમાણે ગરબી ચોક પાસે બે માળનું મકાન અચાનક 7 વાગ્યે ધરાશાયી થયું હતું. સ્થાનિકોએ જણાવ્યું કે 7 વાગ્યે અચાનક કોઈ વિસ્ફોટ થયો હોય તેવો અવાજ સંભળાયો હતો અને અને અમે દોડીને બહાર આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દુર્ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
હાલમાં ફાયર વિભાગની ટીમ જે.સી.બી. મશીનની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. આ દુર્ઘટનામાં હજુ એક પુરૂષ અને એક મહિલા કાટમાળ નીચે દટાયેલા છે. જ્યારે એક વૃદ્ધાને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

