Rajkot news: 4 વર્ષથી વ્યાજ વસૂલી રહેલા વ્યાજખોરે ખેડૂતને પાયમાલ કરી નાખ્યો, ધમકી આપી મગફળીનો પાક પણ પડાવ્યો!

રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. ઉપલેટા તાલુકાના ખારચીયા ગામના રહેવાસી પ્રવિણભાઈ ભદાભાઈ મુરીયાણાએ તેમના જ ગામના અને સમાજમાં વગ ધરાવતા જગદીશનાથ કેશુનાથ મુરીયાણા વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પ્રવિણભાઈએ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ના સમયગાળા દરમિયાન પરિવારમાં આવેલી માંદગી અને આકસ્મિક આફતો તથા દવા-સારવારના ખર્ચ માટે આરોપી જગદીશનાથ પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦ વ્યાજે લીધા હતા. આરોપીએ આ રકમ પર માસિક ૫ ટકાના ઊંચા દરે વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. પ્રવિણભાઈએ પોલીસને જણાવ્યું કે, તેમણે અત્યાર સુધીમાં વ્યાજ પેટે જ આશરે રૂ.બે થી અઢી લાખ જેટલી રકમ ચૂકવી દીધી છે. જો કે, વ્યાજખોર આરોપી સંતોષાયો નહોતો. તેણે ઉલટું, મૂળ રકમ અને બાકી વ્યાજના નામે વધુ રૂ. પાંચ લાખ રૂપિયાની માંગણી શરૂ કરી દીધી હતી.
મગફળી પણ બળજબરીથી પડાવી
આરોપી જગદીશનાથ મુરીયાણા સમાજનો આગેવાન હોવાથી આ પદનો દુરુપયોગ કરીને પ્રવિણભાઈના પરિવારને સતત દબાણ હેઠળ રાખતો હતો. પૈસા ન આપવા પર તે ઘરે આવીને દારૂ પીને અભદ્ર ગાળો આપતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ધમકીની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે તેણે પરિવારને સમાજમાંથી નાત બહાર (બહિષ્કૃત) કરી દેવાની ધમકી આપીને હેરાનગતિ કરી હતી. આ સાથે વ્યાજખોરે ગરીબ ખેડૂત પ્રવિણભાઈની આશરે ૯ મણ જેટલી મગફળી પણ બળજબરીથી પડાવી લીધી હતી અને બદલામાં માત્ર નજીવા રૂ. ૩,૦૦૦ જ આપ્યા હતા.
પોલીસે ગુનો દાખલ કર્યો, હવે ધરપકડના ચક્રો ગતિમાન
વ્યાજખોરના ત્રાસથી કંટાળીને અને આત્મહત્યાના વિચારો સુધી પહોંચેલા પ્રવિણભાઈએ અંતે ભાયાવદર પોલીસ સ્ટેશનનો સહારો લીધો છે. ભાયાવદર પોલીસે ફરિયાદીના નિવેદન પરથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

