રાજકોટમાં ડોક્ટરે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ પોતાના ઘરે જ જીવન ટૂંકાવ્યું

ગુજરાતભરમાંથી અવારનવાર આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીએ સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી હતી. રાજકોટના જેતપુરમાં પણ જમીન દલાલીનું કામ કરતા એક આધેડે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો એવામાં ફરી રાજકોટમાં એક ડૉક્ટરે આત્મહત્યા કરી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.
રાજકોટમાં સીનર્જી હોસ્પિટલના તબીબ ડો.જય પટેલે આપઘાત કર્યાનું સામે આવ્યું છે. જેમાં એનેસ્થેસિયોલોજિસ્ટ તબીબે દવાનો ઓવર ડોઝ લઈને જીવન ટૂંકાવ્યું છે. સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ડોક્ટરે ઘરમાં જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીએ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું
ડૉક્ટરે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
મળતી માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક પાસે આવેલા સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિક ડૉ.જય પટેલે દવાનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી.
સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?
ડૉ.જય પટેલે આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'માતા-પિતાને નહીં પણ આ બનાવ અંગે પહેલા જીજાજીને જાણ કરજો.' પોલીસે સુસાઈડ નોટ મેળવીને ડૉક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ, ડૉ.જય પટેલનો તેમની પત્ની સાથે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. જેથી ઘરકંકાસથી કંટાળીને ડૉક્ટરે આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, કયા કારણોસર ડૉક્ટરે આપઘાત કર્યો તેને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી.

