પાકિસ્તાનની વધુ એક 'નાપાક' હરકત, પોરબંદરના દરિયા નજીકથી 8 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા ફરી એકવાર ભારતીય માછીમારો પર દાદાગીરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભારતીય જળસીમા નજીક અરબ સાગરમાં માછીમારી કરી રહેલી ઓખા પોર્ટની એક ફિશિંગ બોટનું તેના 8 ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ ઘટના પોરબંદરની દરિયાઈ હદમાં આવતા આંતરરાષ્ટ્રીય જળસીમા (IMBL) નજીક બની હતી.
તમામ 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના
મળતી વિગતો મુજબ અપહરણ કરાયેલી આ ફિશિંગ બોટ ઓખા પોર્ટની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બોટ પર સવાર તમામ 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. આ માછીમારો મારવાડની એક બોટ પર સવાર થઈને અરબ સાગરમાં પોરબંદર નજીક પોતાની રોજીરોટી માટે માછીમારી કરી રહ્યા હતા.
તે જ સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ ત્યાં ઘૂસણખોરી કરી ભારતીય બોટને આંતરી હતી અને બળજબરીથી બોટ તેમજ તેમાં સવાર તમામ 8 માછીમારોનું અપહરણ કરીને તેમને પાકિસ્તાન તરફ લઈ ગયા હતા.
પરિવારજનો શોકમાં ગરકાવ
આઠ માછીમારોના અપહરણના સમાચાર વાયુવેગે ફેલાતા જ તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. પાકિસ્તાન દ્વારા અવારનવાર થતી આ અપહરણની પ્રવૃત્તિઓને કારણે સમગ્ર માછીમાર સમાજમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે.
આ ઘટનાની ગંભીર નોંધ લેતા ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.

