ગાંધીનગરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર પોલીસનો દરોડો: 11 જુગારી ઝડપાયા, ₹1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત

Gandhinagar Crime News : ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રણાસણ ગામની સીમમાં લેબર કોલોનીના એક રૂમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી 11 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ, મોંઘી ફોર-વ્હીલર કાર અને મોબાઇલ ફોન મળી કુલ 1,04,11,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રણાસણ ગામની સીમમાં આવેલા સર્વે નંબર-147 ના ખેતરમાં બનાવેલ લેબર કોલોનીના પ્રથમ માળે આવેલા રૂમમાં રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ નામના ઈસમે બહારથી માણસો ભેગા કરીને પાના-પત્તાનો પૈસાની હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. બાતમી મળતાં જ પોલીસ ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો.
કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો
પોલીસ દરોડા દરમિયાન દાવ પરથી 33,500 રૂપિયા રોકડા તથા પકડાયેલા આરોપીઓની અંગજડતીમાંથી 6,35,000 રૂપિયા મળી કુલ 6,69,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી। આ ઉપરાંત પોલીસે 5,42,000 રૂપિયાની કિંમતના 11 નંગ મોબાઇલ ફોન, 52 નંગ ગંજી પાના તેમજ 92,00,000 રૂપિયાની કિંમતની 5 ફોર-વ્હીલર ગાડીઓ અને તેની ચાવીઓ જપ્ત કરી હતી. આમ પોલીસે સ્થળ પરથી કુલ 1,04,11,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 11 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રણજીતસિંહ ઓમસિંહ સોલંકી, સતીષજી ખદુજી ઠાકોર, વિજયકુમાર રાવજીભાઈ પટેલ (ઉંમર 59, રહે. પાંતિયા, ગાંધીનગર), વિશાલ નરેશભાઈ બ્રહ્મભટ્ટ (ઉંમર 39, રહે. સૈજપુર બોઘા, અમદાવાદ), કિરણભાઈ કચરાભાઈ પ્રજાપતિ (ઉંમર 43, રહે. વલાદ, ગાંધીનગર), રમેશભાઈ રેવાભાઈ ભરવાડ (ઉંમર 40, રહે. નાના ચિલોડા, અમદાવાદ), રાજુભાઈ રાયભાઈ ભરવાડ (ઉંમર 37, રહે. વસ્ત્રાલ રોડ, અમદાવાદ), રાકેશભાઈ દશરથભાઈ પટેલ (ઉંમર 31, રહે. નરોડા, અમદાવાદ), રમેશભાઈ રણછોડભાઈ ભરવાડ (ઉંમર 35, રહે. નાના ચિલોડા, અમદાવાદ), રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ (ઉંમર 38, રહે. નાના ચિલોડા, અમદાવાદ) અને દિનેશભાઈ વિરમભાઈ દેસાઈ (ઉંમર 45, રહે. જશોદાનગર, અમદાવાદ) નો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

