રાધનપુર: ગોકુળપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વય નિવૃત થતા યજ્ઞ દર્શન કાર્યક્રમનું આયોજન, શંકર ચૌધરી-લવિંગજી ઠાકોરે આપી હાજરી

રાધનપુર તાલુકામાં આવેલી ગોકુળપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જોષી ભરતભાઇ પ્રસાદભાઇ વય નિવૃત થતા યજ્ઞ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ હાજરી આપી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલી ગોકુળપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ભરતભાઇ પ્રસાદભાઇ જોષી 31 ઓક્ટોબર 2024ના રોજ વય નિવૃત થયા હતા. શિક્ષકના પરિવાર દ્વારા વૈદિક સંસ્કૃતિના મૂલ્યોની જાળવણી થાય તેવા આશય સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાનુભાવોએ આપી હાજરી
સ્વામી નિજાનંદ બાપુ ગોતરકા,સ્વામી જયદેવ બાપુ નાયકા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, વઢિયાર નિયડ બ્રહ્મ સમાજના આગેવાન અને અગ્રણી ઉધોગપતિ અનીલકુમાર રાજગોર પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો માનાભાઇ રબારી, નિલેશભાઈ પટેલ, જશુભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
શિક્ષક ક્યારેય નિવૃત થતો નથી- શંકર ચૌધરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શિક્ષણનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે, 'જીવનમાં જો શિક્ષણને પકડી લઇએ અને વ્યવસનને છોડી દઇએ તો આપણા જીવનમાં ઘણો બદલાવ આવે છે. શિક્ષક ક્યારેય નિવૃત થતો નથી અને તેનામાં રહેવું જ્ઞાન સદા સમાજમાં વહેંચે છે અને એની પાસે એટલું બધું ભાથું હોય છે કે તે જીવનભર સમાજને કંઇને કંઇ આપ્યા કરે છે.'
આ પ્રસંગે વય નિવૃત થતા ભરતભાઇ જોષીના માતૃશ્રી ચંદુબેનનું નાયકા બ્રહ્મચારી આશ્રમના ગાદીપતિ મહંત જયદેવબાપુએ શિવપુરાણ આપી સમ્માન કર્યું હતું બીજી તરફ શંકર ચૌધરી અને લવિંગજી ઠાકોરે ભરતભાઇ જોષીનું સાલ ઓઢાડીને સમ્માન કર્યું હતું.આ પ્રસંગે યજ્ઞ આચાર્ય મહેશકુમાર જોષી અને શાસ્ત્રીઓ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભરતભાઈને વય નિવૃત્તિના આશીર્વાદ આપ્યા હતા.
આ શુભ પ્રસંગે ભરતભાઈ જોષીએ જે જે શાળામાં નોકરી કરેલ છે તે તમામ શાળામાં અને તેમણે પ્રાથમિક શિક્ષણ જ્યાંથી લીધું છે તે શેરપુરા પ્રા. શાળામાં દાન આપી ઋણ મુક્ત થવાનો નાનકડો પ્રયાસ કર્યો હતો.રાધનપુર સુરભી ગૌશાળામાં, પંખી ચણ,પોતાની જન્મભૂમિ શેરપુરામાં ગામ વિકાસ માટે પણ આર્થિક દાન આપ્યું હતું.

