VIDEO: પાટણમાં અધૂરા રેલવે અન્ડરબ્રિજથી છ હજારથી વધુ રહીશો પરેશાન
સોર્સ : gstv
પાટણ શહેરના ખાલકશાપીર વિસ્તારમાં રેલવે ફાટક નંબર 42-C પર બની રહેલા અન્ડરબ્રિજની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છ મહિનામાં પૂર્ણ થવાનું કામ એક વર્ષ બાદ પણ અધૂરું છે અને છેલ્લા ચાર મહિનાથી કામગીરી સંપૂર્ણપણે ઠપ હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. સાઈટ પર મજૂરોની ગેરહાજરી સાથે લોખંડના સળિયા ખુલ્લા જોવા મળે છે અને યોગ્ય બેરીકેટિંગ તથા પ્રકાશના અભાવે અકસ્માતનો ભય છે. અગાઉ ખાડામાં વ્યક્તિ ખાબકતા ગંભીર ઈજા થઈ હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે. રસ્તો બંધ હોવાથી 20થી 25 સોસાયટીના છ હજારથી વધુ રહીશોને બે-ત્રણ કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડે છે. એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસને પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો હવે તંત્રને આવેદન આપી મોરચો કાઢવાની તૈયારીમાં છે.

